MSU હોસ્ટેલમાં ગેંગવોર : બે જૂથો વચ્ચે પથ્થમારો, બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
વડોદરા,તા.25 માર્ચ 2023,શનિવાર
એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શુક્રવારની રાતે બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને પથ્થરમારામાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
બે જૂથોના 50 થી વધારે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના પગલે પોલીસનો કાફલો પણ કેમ્પસમાં ઉતરી પડ્યો હતો અને વિદ્યાર્થીઓના ટોળા જામ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે બે દિવસ પહેલા યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના જર્મન વિભાગમાં વિદ્યાર્થીઓના એક જૂથે તાળાબંધી કરી હતી. આ મુદ્દે વિભાગના વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મતભેદો હતા. એક જૂથે તાળાબંધીનો વિરોધ પણ કર્યો હતો. આમ છતા બિહારી વિદ્યાર્થીઓના જૂથે તાળાબંધી કરી હતી.
એ પછી જર્મન વિભાગના વોટસએપ ગ્રુપમાં આ બે જૂથોના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. શુક્રવારની રાત્રે સમાધાન માટે ફતેગંજ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને બિહારી વિદ્યાર્થીઓના જૂથ સાથે સમાધાન માટે સામેના જૂથે અન્ય એક વિદ્યાર્થીની મદદ લીધી હતી.
યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં આ બે જૂથો સમાધાન માટે ભેગા થયા હતા અને કોઈક વાતે મારામારી શરૂ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓના બે જૂથે એક બીજા પર પથ્થરમારો કરતા હોસ્ટેલ કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન સમાધાન કરવા માટે બોલાવેલા વિદ્યાર્થી પર પણ બિહારી વિદ્યાર્થીઓના જૂથે હુમલો કર્યો હતો. જ્યારે બિહારી વિદ્યાર્થીઓના જૂથના એક વિદ્યાર્થીને પણ અથડામણમાં ઈજા થઈ હતી.
આ બંને વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓના એક જૂથે પોલીસને જાણ કરતા પોલીસના ધાડા મધરાતે કેમ્પસમાં ઉતરી પડ્યા હતા.