કોરોના કહેર વચ્ચે આજે જિલ્લા તંત્ર ચોમાસાનો એકશન પ્લાન તૈયાર કરશે
- કાંસની સફાઈની સમીક્ષા
-ગ્રામ્ય વિસ્તારોમાં પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે સૂચના અપાશે
છેલ્લા બે મહિનાથી તંત્ર કોરોનાનો કહેર અટકાવવા મથી રહયું છે ત્યારે હવે તા.૧પ જુનથી સત્તાવાર ચોમાસું પણ બેસવાનું છે ત્યારે ગાંધીનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાના એકશન પ્લાન સંદર્ભે બેઠક બોલાવવામાં આવી છે જેમાં જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ હાજર રહેશે. જેમાં ચોમાસાને ધ્યાનમાં રાખી જરૂરી પગલાં ભરવા માટે પણ સુચના આપવામાં આવશે. ભુતકાળને ધ્યાને રાખી ગામોમાં કાંસની સફાઈની તપાસ પણ કરવામાં આવશે.
સમગ્ર રાજયમાં હાલ તમામ તંત્રો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કામગીરી કરી રહયા છે. અન્ય તમામ કામો બાજુ પર મુકી દેવામાં આવ્યા છે પરંતુ આકરા ઉનાળા બાદ હવે સરકારી ચોપડે તા.૧પ જુનથી સત્તાવાર રીતે ચોમાસું બેસવાનું છે. જેને લઈ આગોતરું આયોજન પણ જરૂરી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યની અધ્યક્ષતામાં પ્રિ મોન્સુન પ્રીપેરેશન અંતર્ગત બેઠક બોલાવવામાં આવી છે.
આવતીકાલે મળનારી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, મ્યુનિ.કમિશનર રતનકંવર ગઢવીચારણ સહિત નાયબ વન સંરક્ષક, કલોલ અને ગાંધીનગર પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર, કાંસ વિભાગના કાર્યપાલક ઈજનેર, મુખ્ય આરોગય અધિકારી સહીત વીજ કંપનીઓના અધિકારીઓને પણ હાજર રાખવામાં આવશે. આ બેઠકમાં આગામી ચોમાસા દરમ્યાન કેવા પ્રકારે તકેદારી રાખવી તેમજ ભુતકાળમાં જે વીસ્તારોમાં ભારે વરસાદના કારણે સમસ્યા સર્જાઈ હોય ત્યાં આગોતરુ આયોજન કરવા માટે સૂચના આપવામાં આવશે. ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની યાદી તૈયાર કરવાની સાથે વનવિભાગને ટ્રીમીંગ કરવા પણ સુચના આપવામાં આવશે.