For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફ્રી ધ ટ્રીઃ વડોદરાના ગ્રુપનુ અનોખુ અભિયાન, 2500 વૃક્ષોને ટ્રી ગાર્ડમાંથી મુકત કર્યા

Updated: Nov 25th, 2022

Article Content Image

વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

વડોદરામાં ચાલતા એક સ્વયંસેવી ગ્રુપના સભ્યોએ છેલ્લા કેટલાક વર્ષોથી ફ્રી ધ ટ્રી નામનુ અનોખુ અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનના ભાગરૂપે તેમણે અત્યાર સુધીમાં ૨૫૦૦ વૃક્ષોને ટ્રી ગાર્ડ કાપીને મુક્ત કરાવ્યા છે. જેથી તેમનો વિકાસ થઈ શકે અને તે વધારે ઘટાદાર બની શકે.

વડોદરામાં કોર્પોરેશન સહિત સંખ્યાબંધ સંસ્થાઓ અવાર નવાર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે. ઘણા લોકો જાતે જ હવે પ્લાન્ટેશન કરવા માંડયા છે. જોકે પ્લાન્ટ જ્યારે રોપવામાં આવે તો ઢોર તેને ખાઈ ના જાય તે માટે તેની ફરતે ટ્રી ગાર્ડ લગાવવામાં આવે છે.સામાન્ય રીતે કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા ટ્રી ગાર્ડ સપ્લાય કરાતા હોય છે.

વડોદરા લાવણ્યસેન સિંઘ કહે છે કે, થોડા વર્ષ પહેલા નેચર વોક દરમિયાન મારા ધ્યાનમાં આવ્યુ હતુ કે, વૃક્ષ મોટુ થવા માંડે તે પછી તેનુ થડ વધવા માંડે છે અને ટ્રી ગાર્ડના કારણે તેનો વિકાસ અવરોધાય છે. જ્યારે એક વખત ટ્રી ગાર્ડ લગાવી દેવાય એ પછી તેને કાઢનાર કોઈ હોતુ નથી. અમારા ગ્રુપના કેટલાક સભ્યો પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાં મળ્યા હતા અને આ મુદ્દે ધ્યાન દોર્યુ હતુ. ત્યાંના અધિકારીએ કહ્યુ હતુ કે, અમારી પાસે સ્ટાફ ઓછો હોવાથી ટ્રી ગાર્ડ કાઢવાનુ કામ કરવુ મુશ્કેલ છે.

લાવણ્ય સેન આગળ કહે છે કે, આ કામ અમે ઉપાડી લીધુ હતુ. અમે સોશિયલ મીડિયા થકી અને ગૂગલ ફોર્મ થકી લોકો સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન અમારો સંપર્ક બેન્ક ઓફ બરોડાના નિવૃત્ત અધિકારી સાથે થયો હતો. જેમણે પણ અગાઉ આ રીતે વૃક્ષોને મુકત કર્યા હતા. એ પછી અમારા ગ્રુપના સભ્યો સ્વૈચ્છિક રીતે દર શનિવારે અને રવિવારે સવારે ભેગા થાય છે અને અલગ અલગ વિસ્તારમાં મોટા થઈ ગયેલા વૃક્ષોને ટ્રી ગાર્ડ કાપીને મુકત કરે છે. કોરોનાકાળમાં પણ લોકડાઉનને બાદ કરતા અમારૂ અભિયાન ચાલુ રહ્યુ હતુ. અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી અમે આ રીતે ૨૫૦૦ જેટલા વૃક્ષોને મુકત કરાવ્યા છે.

તેઓ કહે છે કે, અમારી પ્રવૃત્તિની જાણકારી સોશિયલ મીડિયાના કારણે ઘણા લોકો સુધી પહોંચી છે અને હવે તો લોકો અમને સામેથી ટ્રી ગાર્ડમાં ફસાઈ જતા વૃક્ષો અંગે જાણ કરતા થઈ ગયા છે.

Gujarat