28 દિવસમાં નવો કેસ નહીં આવતાં સે-23 કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત
- કોરોનાના ચાર દર્દીઓને રજા અપાયા બાદ
ગાંધીનગર, તા. 17 મે 2020, રવિવાર
ગાંધીનગર શહેરના સે-ર૩માં કોરોનાના ચાર કેસ આવ્યા બાદ આ તમામ દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેના ર૮ દિવસ બાદ પણ સેકટરમાં કોરોનાનો કોઈ દર્દી નહીં મળી આવતાં કોર્પોરેશન તંત્ર દ્વારા આજે સે-ર૩ને કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. અહીં એક હજાર જેટલા મકાનોના ૩૭૦૦ વ્યક્તિઓને કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા હતા.
ગાંધીનગર શહેરના કોરોનાના પ્રથમ દર્દી ઉમંગ પટેલના ફુવાના પરિવારના ચાર સભ્યો કોરોનામાં સપડાયા બાદ સે-ર૩ને કોર્પોરેશન દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. અહીં સામાન્ય અવરજવર ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એક હજાર પરિવારોને આરોગ્ય વિભાગના સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા હતા.
ત્યારે પોઝિટિવ આવેલા આ ચાર દર્દીઓને રજા અપાયાને ર૮ દિવસ બાદ પણ કોઈ દર્દી નહીં મળી આવતાં કોર્પોરેશને આજે આ સેકટરને કન્ટેન્મેન્ટ ઝોન મુક્ત જાહેર કર્યું હતું. જેથી આ પરિવારોને રાહત મળશે. બીજી બાજુ શહેરમાં સૌપ્રથમ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયેલું સે-ર૯ હજુ પણ તેમાંથી મુક્ત થયું નથી. એક હજાર પરિવારોના ૩૭૦૦ લોકો છેલ્લા દોઢ મહિનાથી ઝોનમાં હતા.