દારૃ પીને ફરવા નીકળેલા ચાર મિત્રો ઝડપાઇ ગયા
મળસ્કે ચાર વાગ્યે શહેરના રાજમાર્ગ પર નશેબાજો અને પોલીસ વચ્ચે રેસઃ ચારેય મિત્રો સ્કૂલમાં સાથે ભણતા હતા
વડોદરા,તા,5,ફેબ્રુઆરી,2020,બુધવાર
સ્કૂલમાં ભણતા મિત્રો દારૃની મહેફિલ માણીને રાત્રે જમવા જતા હતા. તે સમયે પોલીસને જોઇને નશેબાજોએ પોતાની કાર ભગાડી હતી જેથી માંજલપુર પોલીસે પણ આ કારનો પીછો કર્યો હતો. અને અટલાદરા ભાયલી રોડ પર કાર આંતરી ચાર મિત્રોની ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે ગત મધરાત્રે માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એક સફેદ કલરની અલ્ટો કારના ચાલકે પોલીસને જોઇને પોતાની કાર દોડાવી હતી જેથી પોલીસ જવાને આ કાર અંગે મેસેજ પાસ કર્યો હતો. જેથી અન્ય પોલીસ સ્ટાફે પણ આ કારનો પીછો શરૃ કર્યો હતો. કારચાલકે લાલબાગ બ્રિજ થઇ વિશ્વામિત્રી થઇ કલાલી તરફ કાર દોડાવી હતી. પોલીસ પણ આ કારનો સતત પીછો કરતી હતી. મળસ્કે સવાચાર વાગ્યે અટલાદરા ભાયલી રોડ પર પોલીસે કારને આંતરી હતી. પોલીસે કાર ચાલક મોહંમદ સફીક રફીકભાઇ પટેલ (રહે. આમીર ડુપ્લેક્ષ તાંદલજા) ની સામે કાર પૂરઝડપે હંકારવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે કારમાં બેઠેલા (૧) સંદિપ ઘનશ્યામભાઇ પટેલ (રહે. તુલસીધામ સોસાયટી મકરપુરા) (૨) સદ્દામ સુલેમાનભાઇ પટેલ (રહે. મધુરમ સોસાયટી તાંદલજા) અને (૩) શિશિર વિક્રમભાઇ મહેતા (રહે. રૃપમ ટેનામેન્ટ જૈન દેરાસર પાસે માજંલપુર) દારૃનો નશો કરેલી હાલતમાં હોય તેઓની સામે પ્રોહિબિશનનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે સંદિપ પટેલ ખેતીકામ કરે છે શિશિર અને સદ્દામ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. ચારેય યુવકો સ્કૂલમાં સાથે ભણતા હતાં અને હાઇવે તરફતી દારૃનો નશો કરીને તેઓ આવ્યા હતાં રાત્રેભૂખ લાગતા ચારેય મિત્રો જમવા નીકળ્યા હતાં. પરંતુ પોલીસની કાર જોઇને ભાગતા પોલીસે તેઓને પીછો કરીને ઝડપી લીધા હતા.