'ઍવરેસ્ટ'નું નામકરણ કઈ રીતે થયું?

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
આ જથી ૧૬૨ વર્ષ પહેલાંની વાત છે. ભારત બ્રિટિશ હકૂમત હેઠળ હતું. તે વખતે હિન્દુસ્તાનના સર્વેયર જનરલ સર ઍન્ડ્રુ વૉગ, ઉત્તર દિલ્હીની તેમની ઑફિસમાં બેઠા હતા. તે સમયે એક 'કૉમ્પ્યુટર' દોડતો દોડતો આવ્યો. તે જમાનામાં કૉમ્પ્યુટર એટલે કોઈ યંત્ર નહીં પણ મગજમાં ત્વરાથી ગણતરી કરનારા જીવતા-જાગતા માણસને કૉમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવતો હતો. આ કૉમ્પ્યૂટરે કહ્યું, ''સર, મેં જગતના સૌથી ઊંચા પર્વતને શોધી કાઢયો છે.'' આ કૉમ્પ્યુટરે જે પર્વત શોધી કાઢયો તે તો નેપાળ બાજુ આવેલા હિમાલયનું એક શિખર હતું. તે વખતે તો આ શિખરનું કોઈ નામ પડયું નહોતું. તેને રોમન સંખ્યા પ્રમાણે પંદરની (હ્સ્) સંજ્ઞા અપાઈ હતી. એ કૉમ્પ્યુટરની ગણતરી પ્રમાણે એ શિખર સમુદ્રની સપાટીથી ૨૯,૦૦૨ ફૂટ ઊંચે હતું. ભારતના ઉત્તર ભાગમાંથી ૧,૮૪૯ અને ૧,૮૫૦ વચ્ચે આ શિખરનું અવારનવાર સર્વેક્ષણ થયું હતું. પરંતુ સર ઍન્ડ્રુ વૉગનો નિષ્ણાત પૂરી ગણતરી કરીને પાછો ફર્યો ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે તે શિખર જગતમાં સૌથી ઊંચું છે. સર્વેયરોએ જ્યાંથી માપ કાઢયું હતું તે આ શિખરથી ૧૦૦ માઇલ દૂર હતું. એ લોકોએ ઊંચી કક્ષાના ટેલિસ્કોપને ઇધરઉધર કરીને આ ઊંચાઈ માપી હતી. એ પછી સર વૉગે પૂર્ણ રીતે આ કૉમ્પ્યૂટરની ગણતરીની ચકાસણી કરી અને તે પછી પંદર નંબરના આ શિખરને તેમણે 'ઍવરેસ્ટ' નામ આપ્યું.
દૂધ પીધા પછી કોગળા કરવા શા માટે અગત્યનાં?
મોઢામાં સૌથી વધુ સમય રહેતો, જીભ પર ચોંટી જતો અને ખરાબ વાસ માટે જવાબદાર ગણાતો કયો આહાર છે તે જાણો છો? દૂધ અને દૂધમાંથી બનતી ચીજો એટલે માત્ર જમ્યા પછી જ નહીં, ચા-કૉફી કે લસ્સી પીધા બાદ પણ કોગળા કરવા કે જીભ સાફ કરવી એ શાણપણની નિશાની છે.
આપણી કાયરવૃત્તિનો ઇતિહાસ જૂનો છે
૧૭મી-૧૮મી સદીના અંગ્રેજ લેખકોને ઇંગ્લેન્ડમાં પણ એમના અભ્યાસીઓ કે ત્યાંની યુનિવર્સિટીઓના પ્રોફેસરો સિવાય જનસમુદાય બહુ યાદ કરતો નથી. પણ આપણે ભાવવશ થઈને એમનો ઉલ્લેખતા રહીએ છીએ. આની પાછળ આપણી ગુલામીનાં ૧૫૦ વર્ષોનો ઇતિહાસ પણ છે. ઇરાનનો નાદિર કુલી ખાન, જેને હિંદુસ્તાનનો ઇતિહાસ નાદિર શાહ નામથી ઓળખે છે, સન ૧૭૩૬માં ઇરાનમાં સત્તા પર આવ્યો. અને ૧૭૩૯માં હિંદુસ્તાન પર આક્રમણ કર્યું. દિલ્હીની એક કમનસીબ ઘટના પછી માર્ચ ૧૧, ૧૭૩૯ને દિવસે નાદિર શાહે દિલ્હીની જનતાની કતલેઆમ કરવાનો હુકમ આપ્યો. આ કતલ ૯ કલાક ચાલી. નાદિર શાહ દિલ્હીમાં ૫૮ દિવસ રહ્યા. બેહિસાબ સંપત્તિ લઇને ઇરાન પાછો ચાલ્યો ગયો. ૧૭૪૭માં ઇરાનમાં નાદિર શાહનું ખૂન થાય છે અને બીજા વંશની શરૂઆત થાય છે. પછી એ વંશ પણ ખતમ થાય છે અને ત્રીજા વંશ સત્તાધીશ થાય છે. પણ વિસ્મયની, વાત એ છે કે માત્ર ૫૮ દિવસ દિલ્હીમાં રહેલા ઇરાની નાદિરશાહના નામના સિક્કા એના ગયા પછી પચાસ વર્ષો બાદ પણ, એક હજાર માઇલ દૂર બંગાળના મુર્શિદાબાદની ટંકશાળમાં છપાઈ રહ્યા હતા અને ચલણ તરીકે સ્વીકારાતા હતા, જે બંગાળમાં નાદિરશાહ ક્યારેય આવ્યો ન હતો! કોઈ પણ પ્રજાની કાયરવૃત્તિ કે બાયલાપણાની આવી મિસાલ ઇતિહાસમાં બહુ ઓછી જોવા
મળે છે.
દરેક યુગમાં શોષક અને શોષિત સમાજ રહ્યા છે
ઓસ્ટ્રેલીઆમાં ૧૯૧૦થી ૧૯૭૧ સુધી દરેક ૧૦ આદિવાસી બાળકોમાંથી ેએકને હંમેશને માટે પરિવારમાંથી ખસેડીને ગોરા વાતાવરણમાં મૂકી દેવાયું હતું, એમને 'સંસ્કારી' બનાવવા માટે! કેનેડામાં આદિવાસી બાળકોને આ રીતે ખસેડવામાં આવ્યાં હતાં પણ રજાઓમાં આ બાળકો એમના પરિવારો પાસે જઈ શકતાં હતાં. અમેરિકામાં યુરોપીઅનોએ રેડ ઇંડીઅનોનો, અને દક્ષિણ અમેરિકામાં સ્પેનીશ આક્રમકોએ સ્થાનિક જાતિઓનો મહા સંહાર કરી નાખ્યો હતો. ઓસ્ટ્રેલીઆમાં ગોરાઓ આગળ વધતા ગયા અને હજારો મૂળ આદિવાસીઓની કતલ કરતા ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે ૧૯૬૭ સુધી ઓસ્ટ્રેલીઆની વસતી ગણત્રીમાં પણ આદિવાસીઓની ગણત્રી થતી ન હતી! ૧૯૯૨માં એમને એમની પોતાની જમીનનો હક અપાયો હતો. ૧૭૮૮માં ગોરાઓ ઓસ્ટ્રેલીઆમાં પ્રથમ ઉતર્યા અને
ત્યાંથી મૂળ પ્રજાની સાથે પાશવી જંગલીઓ હોય એમ વર્તતા રહ્યા. ૧૮૩૪માં હિંદુસ્તાનમાં મેકોલેએ લખેલી પ્રખ્યાત મિનિટ્સમાં આવી જ ભાવના વ્યક્ત થઈ હતી. ભારતવર્ષનું પૂરું સંસ્કૃત અને ફારસી સાહિત્ય મેકોલેને પશ્ચિમના સાહિત્યના એક કબાટ કરતાં પણ ઘટિયા કક્ષાનું લાગ્યું હતું. હિંદુસ્તાનમાં પણ અંગ્રેજ હાકેમો હિંદુસ્તાનીઓને ૧૯મી સદીના મધ્યકાલમાં 'સિવીલાઇઝ' કરવા માંગતા હતા! આજે ઓસ્ટ્રેલીઆની મૂળ આદિપ્રજા કુલ વસતીના બે ટકા જેટલી રહી ગઈ છે.
મુંબઈમાં ગેરકાયદેસર મીટનો મોટો ધંધો
દેવનારના કતલખાનામાં જે પશુઓની હત્યા કરવામાં આવે છે તે પશુઓનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ મુંબઈની ગલીઓમાં અને ગટરોમાં જે પ્રાણીઓની કતલ કરવામાં આવે છે તેનું કોઈ જાતનું ચેકઅપ કરવામાં આવતું નથી અને ગેરકાયદે કતલખાનાઓમાં મોટેભાગે ગાયોની જ કતલ કરવામાં આવે છે અને તે ગૌમીટને બકરાનું મીટ ગણાવીને બજારોમાં અને મોટી મોટી હોટેલોમાં વેચવામાં આવે છે. વળી દેવનારના કતલખાનાઓમાં આઠ વર્ષથી ઉપરની વયના જ પ્રાણીઓની કતલ થાય છે, પરંતુ ગલીના કસાઇઓ નાના નાના વાછરડાંઓની પણ કતલ કરીને તેમનું મીટ વેચે છે. આ રીતે મીટની લે-વેચનું બહુ મોટું રેકેટ ચાલે છે. વળી મુંબઈમાં બહારગામથી પણ ગેરકાયદે મીટ આવે છે અને તે એટલી હદ સુધી સડેલું હોય છે કે તેની અંદર સફેદ રંગના કીડા પણ પડી જાય છે. એની તેઓ બરફમાં પણ રાખતા નથી અને આવું મીટ અહીં ધુમ વેચાય છે.









