વડોદરામાં ગૌચરની જમીનમાં ગેરકાયદે બાંધકામ તોડવા પૂર્વ વિપક્ષ નેતાની માંગ

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં સરકારી જમીન ઉપર બાંધકામ મુદ્દે પૂર્વ વિપક્ષી નેતાએ ટાઉન પ્લાનિંગ અધિકારીને આવેદનપત્ર પાઠવી જવાબદાર સામે પગલાં ભરવા તેમજ પોલીસ કાર્યવાહી સાથે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની માંગણી કરી છે. 

પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના કાઉન્સિલરએ ટાઉન પ્લાનિંગ અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, દંતેશ્વર વિસ્તારની કલેકટર હસ્તક ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ થયું છે. ગૌચરની જમીન રહેઠાણ કે ધંધાકીય ઉપયોગ માટે ફેરબદલ કરી શકાય નહીં. સામાન્ય નાગરિક નાનું ઝુંપડું ઊભું કરે તો બાંધકામ શાખા નોટિસ આપી તોડી પાડે છે. પરંતુ 10 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં વ્હાઇટ હાઉસ નામનો બંગલો બનાવી દેવામાં આવ્યો છે. પુરાવા સાથે કોર્પોરેશનની સભામાં ,કલેકટરને રજૂઆત કરી હોવા છતાં સત્તા પક્ષનો મળતીયો હોવાના કારણે બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સરકારને નુકસાન પહોંચાડનાર આવા તત્વો તેમજ અધિકારી સામે પોલીસ ફરિયાદ કરી ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક તોડવું જોઈએ.

City News

Sports

RECENT NEWS