mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારતના સૌથી વૃદ્ધ ગુજરાતી ક્રિકેટર ડી કે ગાયકવાડનું 96 વર્ષની વયે નિધન, ક્રિકેટજગતમાં શોકની લહેર

Updated: Feb 13th, 2024

ભારતના સૌથી વૃદ્ધ ગુજરાતી ક્રિકેટર ડી કે ગાયકવાડનું 96 વર્ષની વયે નિધન, ક્રિકેટજગતમાં શોકની લહેર 1 - image


Image Source: Twitter

વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર

ભારતીય ક્રિકેટ જગતના અગ્રણી અને પૂર્વ ક્રિકેટર ડી. કે. ગાયકવાડનું આજે જૈફ વયે નિધન થયું છે. તા.27 ઓક્ટોબર 1928ના રોજ જન્મેલા દત્તાજીરાવ ગાયકવાડે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું આજે વય-સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું છે. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટર અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા. તેઓ 95 વર્ષના હતા. પરિવારના એક સૂત્રએ જણાવ્યું કે તેઓ છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કીર્તિ મંદિર ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જ્યાં પરિવારના સંબંધીઓ, ક્રિકેટ જગતના અગ્રણીઓ અને મિત્ર વર્તુળ ઉપસ્થિત રહ્યા હતા.

દત્તાજીરાવ ગાયકવાડે બરોડા ક્રિકેટ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમની સુઝબુઝથી અનેક ક્રિકેટવીરો તૈયાર થયા છે. તેઓ રાઈટ હેન્ડેડ બેટિંગ અને રાઈટ આર્મ બોલિંગ માટે જાણીતા હતા. 98 વર્ષના બી. કે. ગાયકવાડની અનેક યાદગાર ઇનિંગ આજે પણ ક્રિકેટ પ્રેમીઓ યાદ કરતા હોય છે. વર્ષ 1998માં મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે બરોડા અને સર્વિસ ટીમ વચ્ચે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં તેમણે 132 રન બનાવ્યા હતા. 

વર્ષ 1952માં લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યો

દત્તાજીરાવ ગાયકવાડે વર્ષ 1952થી 1961દરમિયાન ભારત માટે 11 ટેસ્ટ મેચ રમ્યા હતા. તેઓ વર્ષ 1959માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય ટીમના કેપ્ટન પણ હતા. તેઓએ વર્ષ 1952માં લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યો હતો. તેઓએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પાકિસ્તાન સામે વર્ષ 1961માં ચેન્નઈમાં રમી હતી.

રણજી ટ્રોફીમાં બરોડાનું કર્યું પ્રતિનિધિત્વ

દત્તાજીરાવ ગાયકવાડે રણજી ટ્રોફીમાં વર્ષ 1947થી 1961 સુધી બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે 47.56ની એવરેજથી 3139 રન બનાવ્યા હતા. જેમાં 14 સદી પણ સામેલ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 1959-60ની સિઝનમાં મહારાષ્ટ્ર સામે અણનમ 249 રનનો છે. તે વર્ષ 2016માં ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા. તેમના પહેલા દીપક શોધન ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. દીપક શોધનનું 87 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું હતું.

12 વર્ષની ઉંમરે શરુ કર્યું ક્રિકેટ રમવાનું

દત્તાજીરાવ ગાયકવાડ વર્ષ 1948માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સીકે નાયડુના ભાઈ ટેસ્ટ ક્રિકેટર સીએસ નાયડુના વિદ્યાર્થી હતા. તેમને બરોડાના મહારાજાએ યુવા ખેલાડીઓને તાલીમ આપવા માટે નિયુક્ત કર્યા હતા. દત્તાજીરાવ ગાયકવાડ તે સમયે 12 વર્ષના હતા અને બરોડામાં સીકે નાયડુ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રથમ અંડર-14 અને અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભાગ હતા. સીએસ નાયડુ પાસેથી લેગ સ્પિન અને ગુગલી બોલિંગની રણનીતિ શીખનાર દત્તાજીરાવ ગાયકવાડે વર્ષ 1948માં બોમ્બે યુનિવર્સિટી તરફથી રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યો હતો.

ઇરફાન પઠાણે વ્યક્ત કર્યો શોક

દત્તાજીરાવ ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કરતા ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે એક પોસ્ટ શેર કરી લખ્યું, “ગાયકવાડ સરએ અથાકપણે બરોડા ક્રિકેટ માટે યુવા પ્રતિભા શોધી કાઢી અને અમારી ટીમના ભવિષ્યને આકાર આપ્યો. તેમને ખૂબ જ યાદ કરવામાં આવશે. ક્રિકેટ સમુદાય માટે મોટી ખોટ.”

Gujarat