વડોદરા: આર્થિક ભીંસના કારણે એકબીજાને ભેટી બ્રિજ પરથી કૂદી પડેલા બન્ને મિત્રોની લાશ મળી
વડોદરા, તા 6 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
વડોદરા નજીક સાવલી તાલુકામાં મહીસાગરના બ્રિજ પરથી એકબીજાને ભેટી નદીમા કૂદી પડેલા બંને મિત્રોની લાશ આજે મળી આવી છે.
સાવલી તાલુકાના પોઈચા કનાડા બ્રિજ પર ગઈકાલે સાંજે બાઇક લઇને આવેલા બે મિત્રોએ પોતાના પરિવારજનો સાથે વીડિયો કોલિંગ કર્યા બાદ એકબીજાને ભેટીને નદીમા છલાંગ લગાવી હતી. બનાવને નજરે જોનાર ટ્રેકટર ચાલકે ગ્રામજનોને જાણ કરતા વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.
ફાયર બ્રિગેડના દરજીપુરા સ્થિત સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવાર અને ટીમે ગઈ મોડી સાંજથી મહીસાગરમા શોધખોળ આરંભી હતી. આજે સવારે ફરીથી તેમણે શોધખોળ કરતા બ્રિજ પાસેથી બંને મિત્રોના મૃતદેહ મળી આવ્યા હતા.
પ્રાથમિક તબક્કે બંને મિત્રોના નામ (1) યુવરાજ નરેન્દ્રસિંહ ચૌહાણ (2) નિલેશ ભરત સિંહ ચૌહાણ (બંને રહે. કનોરવાડ ગામ, તા. ઉમરેઠ, જિ.આણંદ) હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બંને મિત્રો આર્થિક ભીડમા મુકાયા હતા અને તેના કારણે ગઈકાલે સાંજે આણંદથી બાઈક પર સાવલીના પોઇચા બ્રિજ પર આવી આત્મહત્યા કરી હોવાનુ જાણવા મળ્યુ છે. સાવલી પોલીસે આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.