પતિ, સાસુ અને સસરા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી
પત્નીનો પગાર પતિ પોતાના ખાતામાં જમા કરાવતો હતો
વડોદરા,તા,25,જાન્યુઆરી,2020,શનિવાર
નોકરી કરતી પત્નીનો પગાર પતિ પોતાના એકાઉન્ટમાં જમા કરાવડાવી પત્નીને માત્ર બે હજાર રૃપિયા માસિક ખર્ચ માટે આપતો હતો. તેમ છતાંય પરિણીતા પર પતિ-સાસુ અને સસરા ત્રાસ ગુજરતા હતા જેઅંગે પરિણીતાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે દિવાળીપુરાની મીરા સોસાયટીમાં રહેતી નેહા નામની યુવતીના લગ્ન વર્ષ-૨૦૧૦માં પાર્થ કિશોરભાઇ નાગર (રહે. ગોયાગેટ સોસાયટી આર.વી. દેસાઇ રોડ) સામે થયા હતાં. નેહા કાનગી કંપનીમાં નોકરી કરે છે. પુત્રના જન્મ પછી નેહા નોકરીથી વહેલા મોડે ઘરે આવે તો ''તું કેમ મોડી આવે છે?'' તેવું જણાવીને પતિ ઘરકંકાસ કરતો હતો. તું તારા પિતાના ઘરેથી દહેજમાં કંઇ લાવી નથી. તેમ કહી પતિ પાર્થ પત્નીનો તમામ પગાર પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવડાવતો હતો. અને માત્ર બે હજાર રૃપિયા પત્નીને આપતો હતો. પતિના મારઝૂડ અને ઘરકંકાસની વાત નેહા પોતાના ઘરે કરતી હતી. પરંતુ તેના માતા-પિતા ઘરસંસાર ન બગડે તે હેતુથી નેહાને પરત સાસરીમાં મોકલી દેતા હતાં. ત્રાસથી કંટાળીને છેલ્લા ત્રણ મહિનાથી નેહા પિયરમાં રહેવા જતી રહી હતી. સાસરિયાઓએ સાડાચાર વર્ષના પુત્રને પણ પોતાની પાસે રાખી લીધો હતો.
ઉપરોક્ત ફરિયાદ અંગે નવાપુરા પોલીસે પતિ પાર્થ, સસરા કિશોર અને સાસુ મીનાબેન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે