ફાઈન આર્ટસ ફેકલ્ટીના સ્ટુડન્ટ ડીન શાહિનબાગના ધરણામાં જોડાયા
વડોદરા,તા.6.ફેબ્રુઆરી,ગુરુવાર,2020
દિલ્હીના શાહિનબાગ વિસ્તારમાં ૫ દિવસથી સીએએના વિરોધમાં થઈ રહેલા ધરણા આખા દેશમાં ચર્ચાનો વિષય બનેલા છે.તેવામાં એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના સ્ટુડન્ટ ડીન પ્રો.ઈન્દ્રપ્રમિત રોયે શાહિનબાગના ધરણામાં હાજરી આપતા આ મુદ્દો યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ આ બાબતનો વિરોધ નોંધાવીને આજે હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા અને પ્રો.રોયને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી.એબીવીપીનુ કહેવુ હતુ કે, જે લોકો શાહિનબાગમાં બેસીને દેશને તોડવાની વાત કરી રહ્યા છે ે તે લોકો સાથે બેસીને સરકારે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને લીધેલા નિર્ણયનો(સીએએ)નો વિરોધ કરવો એ બહુ ગંભીર બાબત છે.આ મુદ્દે અધ્યાપક પર એક તપાસ સમિતિ બનાવવામાં આવે અને તેમને તાત્કાલિક યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનુ અને અધ્યાપકોનુ એક જૂથ પહેલેથી જ સીએએનો વિરોધ કરી રહ્યુ છે.સીએએના વિરોધમાં વડોદરામાં થયેલા દેખાવોમાં પણ આ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ભાગ લઈ ચુક્યા છે.જોકે શાહિનબાગના દેખાવોમાં ફાઈન આર્ટસના અધ્યાપકોની એન્ટ્રીથી યુનિવર્સિટીના માહોલમાં ગરમાવો આવી ગયો છે.
દેશમાં એક પ્રકારે ઈમરજન્સી જેવો માહોલ
મને પણ લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છેઃ પ્રો.રોય
દરમિયાન પ્રો.રોયે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, આ લોકશાહી દેશમાં વિરોધ કરવાનો મને પણ હક છે.મને જ્યાં મરજી હોય ત્યાં હું જઈ શકું છું.શાહિનબાગમાં એક ચળવળ ચાલી રહી છે અને મને થયુ હતુ કે, મારે ત્યાં જઈને જોવુ જોઈએ.આખા દેશમાંથી લોકો ત્યાં ધરણામાં ભાગ લેવા માટે આવી રહ્યા છે.૫૫ દિવસથી મહિલાઓ ધરણા પર બેઠી છે.આવુ આંદોલન દેશમાં પહેલા થયુ છે ખરુ?તેમણે કહ્યુ હતુ કે, ત્યાં બેઠેલા લોકો લોકશાહી ઢબે જ સીએએનો વિરોધ કરી રહ્યા છે.જો રસ્તો બંધ હોય તો પોલીસ કેમ તેમને ત્યાંથી હટાવતી નથી?કદાચ તેમાં પણ કોઈને રાજકીય ફાયદો દેખાતો હશે.ત્યાં બેઠેલા લોકો દેશદ્રોહી નથી.મને પણ આ શાંતિપૂર્ણ વિરોધને સમર્થન આપવાનો અધિકાર છે.આ માટે બધા મારા સમર્થનમાં હોય તે જરુરી નથી.તમે કોઈ બાબતનના વિરોધમા ંહોય તો બોલી ના શકો તેવી સ્થિતિ છે.આ પણ એક પ્રકારની ઈમરજન્સી જ છે.