For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફરી કોરોનાની ભીતિથી પોલીસ એક્શનમાં : દરરોજ 200 FIR

Updated: Nov 15th, 2021


અમદાવાદમાં અત્યાર સુધીમાં 90357 સામે FIR

માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલેલા નાગરિકો સામે ગુના નોંધવા, દંડ વસુલવા પોલીસ સ્ટેશનદીઠ ટાર્ગેટ 

અમદાવાદ : દિવાળીના તહેવારો પછી કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં ફરી એક વખત કોરોના વકરવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આગામી 15 દિવસ એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી પૂરતી કાળજી નહીં લેવાય તો કોરોના ફરી વકરી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે. આ સંજોગોમાં નાગરિકો સોશિયલ ડીસ્ટન્સ જાળવે અને નિયમીતપણે માસ્ક પહેરે તે માટે પોલીસ એક્શનમાં આવી છે.

દિવાળીના સમયગાળામાં અમદાવાદ શહેરમાં દરરોજ માંડ 20-25 નાગરિકો સામે ગુના નોંધાતા હતા તે વધીને 150થી વધી ગયાં છે. શહેરના પોલીસ સ્ટેશનોને 10-10 ગુના નોંધવા ટાર્ગેટ અપાયાં છે એટલે દરરોજ 200 ગુના નોંધાઈ શકે છે. સાથે જ પોલીસ સ્ટેશનોને માસ્ક નહીં પહેરતા નાગરિકો પાસેથી દંડ વસૂલાત કરવા તાકીદ કરી ટાર્ગેટ આપવામાં આવ્યાં છે.

કોરોનાના કારણે વર્ષ 2020ની દિપાવલી પર્વમાળા ફિક્કી રહ્યાં પછી આ વર્ષે દિવાળી ધામધૂમથી ઉજવવામાં આવી છે. જો કે, દિવાળી મુક્ત મને ઉજવાયા પછી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આવનારાં દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે તેવી ભીતિ દર્શાવીને પંદર દિવસ પૂરતી સાવચેતી રાખવાની ચેતવણી તબીબો આપી ચૂક્યાં છે.

જો કે, દિવાળી પર્વમાળામાં ઘણાંખરાં શહેરીજનોને માસ્ક પહેરવાની, સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની આદત ભૂલી ગયાં છે. લોકો સ્વયંભૂ રીતે જ કોરોના અટકાવવા માટે આ ત્રણ નિયમોનું પાલન કરે તે માટે પોલીસે હવે દંડનો દંડો ઉગામવાનું શરૂ કર્યું છે. ગત અઠવાડિયે જ દિવાળીના તહેવારો દરમિયાન શહેર પોલીસે કોરોનાના નિયમભંગ કરતા લોકો સામે 1, 2, 7 અને 74 કેસ નોંધ્યા હતા.

દિવાળી પર્વમાળા પૂર્ણ થતાં જ અમદાવાદ શહેરમાં જનજીવન ફરી પૂર્વવત બની રહ્યું છે. કોરોનાના કેસમાં ઉછાળો આવતાં અમદાવાદ શહેર પોલીસને પણ કોરોનાના નિયમોનું પાલન કરાવવા કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી શહેરના પોલીસ સ્ટેશનોને દરરોજ ઓછામાં ઓછા 10 કેસ કરવાની તાકીદ કરવામાં આવી છે. આ ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવે તો દરરોજ 500 લોકો સામે કોરોના નિયમભંગ બદલ ગુના નોંધાઈ શકે છે.

આમ છતાં, શહેર પોલીસે માસ્ક નહીં પહેરતા લોકોને સમજાવટ કરવાનો માર્ગ અખત્યાર કર્યો છે. હાલમાં માસ્ક પહેર્યું ન હોય છતાં પોલીસ સાથે જીભાજોડી કરે તેવા લોકો સામે ગુના નોંધવામાં આવી રહ્યાં છે. સેનેટાઈઝર લગાવવાના મુદ્દે પોલીસે જનજાગૃતિ કેળવવાનું શરૂ કર્યું છે. દિવાળી દરમિયાન બજારોમાં ભીડ જામી હતી એટલે સોશિયલ ડીસ્ટન્સ ભૂલાયું હતું. હવે, વેપારીઓ સામે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

શહેર પોલીસે રવિવારના દિવસે 181 ગુના નોંધીને 183 લોકોની અટકાયત કરી હતી. સોમવારે 200થી વધુ ગુના નોંધવામાં આવ્યાં છે. સાથે જ માસ્ક નહીં પહેરવાના મામલે 447 લોકો પાસેથી 500 - 500 રૂપિયાની દંડ વસુલાત કરવામાં આવી છે. 

કોરોનાના દોઢ વર્ષના સમયગાળામાં શહેર પોલીસે અત્યાર સુધીમાં 90357 ગુના નોંધીને 99365 લોકોની અટકાયત કરી છે. જેમાં જાહેરનામા ભંગના 11713 ગુના, એપેડેમિક એક્ટ હેળઠ 4733 ગુના, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 73791 ગુના નોંધવામાં આવ્યાં છે.

અત્યારે સુધીમાં 98015 વાહનો ડીટેઈન કરી 38 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવાના કિસ્સામાં 7.85 લાખ લોકો પાસેથી 65.63 કરોડ રૂપિયા દંડની વસૂુલાત કરાઈ છે. પોલીસે હોમ ક્વોરન્ટાઈન રહેલા નાગરિકોની ચકાસણી પણ શરૂ કરી દીધી છે.

Gujarat