કાશ્મીરની ગન ફેક્ટરીના માલિકનું બોગસ હથિયાર લાયસન્સનું કૌભાંડ
ઉમર ફારુક ગન બોગસ લાયસન્સ કાઢી આપે અને રિન્યુ પણ કરી આપતો ઃ ઉદ્યોગપતિના બંગલામાં મહેફિલ પર દરોડા બાદ બહાર આવેલું કૌભાંડ
વડોદરા, તા.12 ફેબ્રુઆરી, બુધવાર
વડોદરા નજીક અંપાડ ગામે તાજેતરમાં ઓહાના બંગલોઝમાં પાડેલા દરોડામાં ફરજ પર હાજર સિક્યુસિટિ ગાર્ડ પાસેથી મળેલી બાર બોરના હથિયાર તેમજ લાયસન્સ અંગે તપાસ કરતા તેની પાસે હથિયારનું બોગસ લાયસન્સ હોવાનું જણાયું હતું તેમજ આ બોગસ લાયસન્સના આધારે ગન અને કાર્ટિસ મેળવ્યા હોવાનું બહાર આવતા પોલીસે સિક્યુરિટિ ગાર્ડની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે તા.૮ની રાત્રે તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ પી.જે. ખરસાણને બાતમી મળી હતી કે અંપાડ ગામની સીમમાં જાણીતા ઉદ્યોગપતિ સુજીત ભાયાણીના ઓહાના બંગલોઝમાં ખાવા પીવાની મહેફિલ ચાલુ છે જેથી તાલુકા પોલીસના સ્ટાફે ઓહાના બંગલોઝમાં રેડ કરી હતી. આ બંગલાના સિક્યુરિટિ ગાર્ડ પાસે બાર બોર હથિયાર હોવાથી તે અંગે પૂછપરછ કરતા તેને પોતાનું નામ રવિકુમાર સતપાલ શર્મા (મુળ રહે.કોર્ટ કાબો તા.કાલાકોટ, જિલ્લો રાજોરી, જમ્મુ હાલ રહે.ફુલાભાઇ રબારીના મકાનમાં, અંપાડ) જણાવ્યું હતું.
રવિકુમાર પાસેના હથિયારના લાયસન્સ અંગે પૂછપરછ કરતાં સિક્યુરિટિ એજન્સીમાં જમા કરાવ્યું હોવાનું કહ્યું હતું જેથી પીએસઆઇએ તેને હથિયાર અને કાર્ટિસ તેમજ લાયસન્સ લઇને પોલીસ સ્ટેશનમાં આવવા જણાવ્યું હતું જો કે રવિકુમાર પોલીસ સ્ટેશનમાં નહી આવતા પોલીસના માણસો રવિકુમારને હથિયારો તેમજ લાયસન્સ સાથે પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા તેનું હથિયારનું લાયસન્સ તા.૯ મે ૧૯૯૫ના રોજ નીકળ્યું હતું અને ત્યાર બાદ વારંવાર રિન્યુ પણ કરાવ્યું હતું. આ લાયસન્સ રાજોરી જિલ્લામાં ઉમર ફારુક ગન ફેક્ટરીના માલિક ઉમર ફારુકે કાઢી આપ્યું હતું અને તેના આધારે હથિયાર તેમજ કાર્ટિસ પણ ઉમર ફારુકે જ આપ્યા હતાં. આ માટે ઉમર ફારુકે રૃા.૫૦ હજાર લીધા હતાં તેવી વિગત પોલીસને જણાવી હતી.
પોલીસ દ્વારા હથિયારના લાયસન્સની ખરાઇ કરતા તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે રવિકુમારની છેતરપિંડી, કાવતરુ ઘડવું સહિતની વિવિધ ગુના હેઠળ ધરપકડ કરી તેની વધુ પૂછપરછ માટે કોર્ટમાંથી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે ઉમર ફારુક ગનની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.