'અડધી રાતે પણ છોકરીઓ કોઈ ડર વગર નીકળશે ત્યારે દેશ વિકસિત કહેવાશે'
એમ.એસ.યુનિ.માં આવેલા ભૂતપૂર્વ લે.કર્નલે કહેલુ
સ્ત્રીઓ માટે ભારત સૌથી વધુ અસુરક્ષિત દેશ બની રહ્યો છે
વડોદરા, તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર
જ્યારે યુવતી અડધી રાતે દેશના કોઈપણ ખૂણે કોઈપણ પોષાકમાં યુવકોની છેડતીના ડર વગર માથુ ઊંચુ રાખીને નીકળશે ત્યારે જ દેશ ખરેખર વિકસિત કહેવાશે, એવુ એમ.એસ.યુનિ.માં આવેલા ભૂતપૂર્વ લે.કર્નલ રોહિત મિશ્રાનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ના ધ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા ધ ફેમિલિ એન્ડ કોમ્યુનિટિ સાયન્સ ફેકલ્ટીના ઓડિટોરિયમ ખાતે 'અ વોક વિધાઉટ ફિઅર' વિષય અંતર્ગત લેક્ચર યોજાયું હતું. જેમાં વિવિધ ફેકલ્ટીના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ભૂતપૂર્વ લે.કર્નલ રોહિત મિશ્રાએ કહ્યું કે, સ્ત્રીઓ માટે ભારત દિન પ્રતિદિન અસુરક્ષિત દેશ બની રહ્યો છે. દેશમાં રોજ ૧૨૦ બળાત્કારો થાય છે જે નોંધવામાં આવે છે બાકી તો સંખ્યા ૧૫૦થી પણ વધુ છે. સુરક્ષા અને સલામતી માટે ત્રણ સંદેશા આપતા તેમણે કહ્યું કે, છોકરાઓએ ફક્ત તેમના પરિવારની સ્ત્રીઓ જ નહીં પણ દરેક મહિલાઓનો આદર કરવો જોઈએ, વાલીઓએ તેમની છોકરીઓને સ્વતંત્ર અને મજબૂત બનાવવી જોઈએ અને કહેવું જોઈએ કે તે દીકરા કરતા સહેજ પણ ઉતરતી નથી. તેમજ છોકરીઓએ પણ સ્વ રક્ષા માટેની તાલીમ લેવી જોઈએ. યુવતીઓ એટલી સક્ષમ હોવી જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં તેને છોકરાઓની મદદ ન લેવી પડે.
લેક્ચરના અંતે કર્નલે તમામ વિદ્યાર્થીઓને અનિચ્છનિય પરિસ્થિતિમાં પોતાની રક્ષા કેવી રીતે કરવી તેની તાલીમ આપી હતી.