ડુપ્લિકેટ કસ્ટમ ઓફિસરે ચેકિંગના નામે વેપારીના રૂા.15 લાખ લૂંટી લીધા
- ફોરેન કરન્સી એક્સચેન્જના આણંદના વેપારી અલકાપુરીમાં લૂંટાયા
- પેટ્રોલપંપની ગલીમાં અવરજવર વચ્ચે ઠગ ટોળકીએ બેગમાંથી 10 હજાર ડોલર અને 7 હજાર પાઉન્ડનું પેકેટ કાઢી લીધુું
વડોદરા,તા.9 ફેબ્રુઆરી 2020 રવિવાર
ફોરેન કરન્સી એક્સચેન્જનું કામ કરતા આણંદના વેપારીને વડોદરાના આરસી દત્ત રોડ પર આજે સાંજે ડુપ્લિકેટ કસ્ટમ ઓફિસરના નામે ઠગ ટોળકીએ લૂંટી લીધા હોવાના બનેલા બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.
આણંદમાં ફોરેન કરન્સી એક્સચેન્જનું કામ કરતા વિજયભાઇ કલ્યાણી આજે અકોટા ગાય સર્કલ વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જના કામ માટે આવ્યા ત્યારે અલકાપુરી પેટ્રોલપંપ નજીક તેમને લૂંટી લેવાનો બનાવ બન્યો હતો.
વિજયભાઇ બેગ લઇ જઇ રહ્યા હતા ત્યારે બે ગઠિયાઓએ કસ્ટમના કર્મચારી તરીકે ઓળખાણ આપી દૂર બાઇક પાસે ઉભેલા કસ્ટમના સાહેબ બોલાવતા હોવાનું કહ્યું હતું.વેપારી તેમના તરફ ગયા ત્યારે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખાણ આપનાર ઠગે બેગમાં શું છે..તેમ કહી ચેક કરવા બંને સાગરીતોને કહ્યું હતું.
બે ગઠિયા બેગ તપાસી રહ્યા હતા ત્યારે ડુપ્લિકેટ કસ્ટમ ઓફિસરે વેપારીને વાતોમાં પરોવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ બેગમાં કાંઇ વાંધાજનક નથી..તેમ કહી બેગ પરત કરી હતી.વેપારી થોડા આગળ ગયા અને શંકા જતા બેગ તપાસી તો અંદરથી એક પેકેટ ગાયબ હતું.જેમાં રૂા.૧૦ હજાર ડોલર અને રૂા.૭ હજાર પાઉન્ડ અને અન્ય મત્તા મળી રૂા.૧૫ લાખની મત્તા હતી.બનાવના પગલે એસીપી રાજગોર તેમજ ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી અને પીસીબી સહિતની ટીમો નાકાબંધી તેમજ સીસીટીવી ફૂટેજ તપાસવામાં લાગી હતી.પોલીસે ગુનો નોંધવાની તજવીજ કરી છે.