પોલીસની બેદરકારીના કારણે હામરો નિધિ ફાઇનાન્સના ડાયરેક્ટરો ફરાર,બે મહિના વિવિધ શહેરોમાં ફર્યા
વડોદરા,તા.5 ફેબ્રુઆરી,2020,મંગળવાર
સયાજીગંજમાં ઊઠમણું કરનાર હામરો નિધિ લિ.ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે ઊહાપોહ થવા છતાં પોલીસે ગંભીરતા પૂર્વક નોંધ નહીં લેતાં સંચાલકો ફરાર થવામાં સફળ રહ્યા હતા.
હામરો નિધિ લિ.માં રોકાણકારોના લાખો રૃપિયા ઇન્વેસ્ટ કરનાર એજન્ટો દીવાળી પછી ઓફિસ ખુલે તેની રાહ જોઇ રહ્યા હતા. ડાયરેક્ટરોના ફોન પણ બંધ થઇ જતાં એજન્ટો ગભરાયા હતા.કેટલાકે પોલીસનો સંપર્ક કર્યો હતો.પરંતુ પોલીસે તેની ગંભીરતા પૂર્વક નોંધ લીધી નહતી.
બીજીતરફ ઊઠમણું કરનાર કંપનીના કેટલાક ડાયરેક્ટરો જુદા જુદા શહેરોમાં આશરો લઇ રહ્યા હોવાની વિગતો બહાર આવી હતી.લગભગ બે મહિના સુધી તેઓ ગાંધીનગર,નાસિક,વાપી,ચંદીગઢ જેવા સ્થળોએ રોકાયા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે.
સયાજીગંજ પોલીસે ફાઇનાન્સ કંપનીના ઠગ દંપતી સહિત સાત ડાયરેક્ટરો સામે ગુનો નોંધી નાણાં ગુમાવનાર રોકાણકારોની યાદી તૈયાર કરવા માંડી છે.પોલીસ તેમના નિવેદનો પણ લઇ કંપની તરફથી આપવામાં આવેલી રસીદો,પાસબુક,સ્ટેટમેન્ટ જેવા પુરાવા એકત્રિત કરી રહી છે.