14 દિવસ ક્વોરંટાઈનમાં રહેવા છતાં રિપોર્ટ આવ્યો પોઝિટીવ, આ ગામડાઓમાં ફફડાટ
અમદાવાદ, તા. 18 એપ્રિલ 2020, શનિવાર
વેડાના ફાર્માસીસ્ટ અશોકભાઇ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તેમના સંપર્કમાં આવેલાં વ્યક્તિઓને કવોરેન્ટાઇન કરાયા હતા. જેમાં માણસા તાલુકાના બિલોદરા આરોગ્ય કેન્દ્રની મહિલા ફાર્માસીસ્ટ અને તેના પતિને પણ હોમ કવોરેન્ટાઇન કરાયા હતા. 14દિવસનો ઇન્કયુબેશન પીરિયડ પૂર્ણ થયા બાદ આ મહિલા ફાર્મસીસ્ટના પતિ ફરજ ઉપર હાઇકોર્ટ ગયા ત્યારે ત્યાંથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. હાલ આ દર્દીને અમદાવાદના લીસ્ટમાં ગણવામાં આવ્યો છે.
14 દિવસ ઘરમાં રહેવાની સૂચના અપાઈ હતી
ગાંધીનગરના ઉમંગથી સંક્રમીત થયેલાં વેડાના ફાર્માસીસ્ટ અશોકભાઇ પોઝિટિવ આવ્યા તે વખતે વેડા આરોગ્ય કેન્દ્ર ઉપરાંત આસપાસના અન્ય આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પણ ૧૪ દિવસ સુધી હોમ કવોરેન્ટાઇન રહેવાની સુચના આપી હતી. જેના પગલે માણસા તાલુકાના બિલોદરા આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી અને તેના પતિ પણ વિહારમાં ભાડાના મકાનમાં હોમ કવોરેન્ટાઇન થઇ ગયા હતા.
વિહાર ગામમાં સર્વેલન્સ હાથ ધરાયું
સામાન્ય રીતે કોરોના વાયરસનો 14 દિવસનો ઇન્ક્યુબેશન પિરિયડ હોય છે. જેથી 14 દિવસ બાદ બિલોદરાના આ મહિલા ફાર્માસીસ્ટ અને તેના પતિને કોરોના મુક્ત કરી દેવામાં આવ્યા હતાં. ત્યારબાદ વિહારમાં રહેતાં ફાર્માસીસ્ટના પતિ કે જે હાઇકોર્ટમાં ફરજ બજાવે છે તેઓ કામ અર્થે હાઇકોર્ટ ગયા હતા ત્યાંથી કોરોનાનો રીપોર્ટ કરવાનું કહેતાં તેઓએ સોલા સિવિલમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે હાલ તો આ પોઝિટિવ કેસ અમદાવાદમાં ગણ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે આ પોઝિટિવ યુવાન જ્યાં રહે છે તે વિહાર ગામમાં ખાસ સર્વેલન્સ હાથ ધર્યું હતું.
બહારથી કોઈને પ્રવેશવા ન દેવાની સૂચના
પોઝિટિવ યુવાનની પત્નીને ફરી હોમ કવોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે ત્યારે આસપાસના રહિશોને પણ આ બાબતે જાણ કરીને ખાસ તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે. ગામમાં સરપંચ અને સ્થાનિકોને બહારથી કોઇને નહીં પ્રવેશવા દેવા પણ સુચના આપવામાં આવી છે ત્યારે ગામમાં હાઉસ ટુ હાઉસ આરોગ્યનો સર્વે પણ હાથ ધરવામાં આવશે. તો સાથે સાથે સેનેટાઇઝેશન અને ફ્યુમીગેશન ઉપરાંત જનજાગૃતિની પ્રવૃત્તિ પણ ગામમાં કરવામાં આવશે. અત્યારે આ કેસ અમદાવાદમાં ગણવામાં આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં તેને ગાંધીનગર જિલ્લામાં ફેરવવામાં આવે તો પણ નવાઇ નહીં.