ડીનની ખાલી જગ્યાઓ ભરતા પહેલા હેડની જગ્યાઓ પર નિમણૂંકની રજૂઆત

Updated: Jan 25th, 2023

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ૧૦ ફેકલ્ટીઓમાં ડીનની જગ્યાઓ ખાલી છે અને આગામી દિવસોમાં યુનિવર્સિટી સત્તાધીશોએ આ જગ્યાઓ ભરવા માટે કવાયત હાથ ધરી છે.એવુ ચર્ચાઈ રહ્યુ છે કે, વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવ આગામી સિન્ડિકેટની બેઠકમાં આ જગ્યાઓ પર ડીનોની કાયમી નિમણૂંક કરવા માટે પ્રસ્તાવ લાવી શકે છે ત્યારે ભાજપ પ્રેરિત સંકલન સમિતિના સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ આ સંદર્ભમાં વાઈસ ચાન્સેલર સાથે મુલાકાત કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે સંકલન સમિતિના સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ વાઈસ ચાન્સેલર સાથેની મુલાકાતમાં એવી રજૂઆત કરી હતી કે, સામાન્ય રીતે ડીન બનનારા ઉમેદવારોની પસંદગી જે તે ફેકલ્ટીના હેડમાંથી જ કરાતી હોય છે ત્યારે ડીનોની નિમણૂંક કરતા પહેલા વિવિધ ફેકલ્ટીઓમાં ખાલી પડેલી હેડની ૪૦ થી ૫૦ જગ્યાઓ પર નિમણૂંક કરવામાં આવે.જેથી ફેકલ્ટી ડીનની નિમણૂંકમાં વધારે વિકલ્પ મળી શકે.

સંકલન સમિતિના સભ્યોએ સાથે સાથે રજૂઆત કરી હતી કે, કાયમી અધ્યાપકોની બે વર્ષથી બંધ થયેલી ભરતી પ્રક્રિયા ફરી શરુ કરવામાં આવે અને તેની સાથે સાથે આ વર્ષે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ લેવા માટે ડાયરેકટની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે.આ જ રીતે જીસેટ પરીક્ષા લેવા માટે ડાયરેકટરની ખાલી જગ્યા પર પણ નિમણૂંક કરવામાં આવે.

જોકે સંકલન સમિતિના સભ્યોની મુલાકાતના પગલે એવી પણ ચર્ચા શરુ થઈ હતી કે, આ સભ્યો ડીનની ખાલી જગ્યાઓ પર નિમણૂંકનુ લોબિંગ કરવા માટે વાઈસ ચાન્સેલર પાસે પહોંચ્યા હતા.ઉલ્લેખનીય છે કે, વાઈસ ચાન્સેલરના ડ્રેસ કોડના આદેશનો સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ વોટસએપ ગુ્રપમાં ભારે વિરોધ કર્યો હતો.


    Sports

    RECENT NEWS