Gujarat

ઓઢવમાં ડ્રેનેજ અને સ્ટ્રોમવોટર લાઇનનું નવું માળખું નાંખવા માંગ

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
ઓઢવમાં ડ્રેનેજ અને સ્ટ્રોમવોટર લાઇનનું નવું માળખું નાંખવા માંગ

અમદાવાદ,તા.14 ફેબ્રુઆરી 2022,સોમવાર

ઓઢવ ફાયર સ્ટેશન અને મ્યુનિ.વોર્ડ ઓફિસની સામેના નવનિર્મિત આરસીસી રોડ પર ગટરો ઉભરાવાની સમસ્યા રોજીંદી બની ગઇ  છે. ઓઢવ જીઆઇડીસી તરફ જતા આ માર્ગે હજારો વાહનચાલકોની અવર-જવર રહે છે. વર્ષો જુની ગટર ઉભરાવાની સમસ્યા નવો અને ઉંચો રોડ બન્યા પછી પણ ઉકેલાઇ નથી. ઓઢવમાં ડ્રેનેજ અને સ્ટ્રોમવોટર લાઇનનું નવું માળખું નાંખવા માંગ ઉઠવા પામી છે.

ઓઢવ વોર્ડ ઉભરાતી ગટરોની સમસ્યાથી ઘેરાયેલો છે. તેમાંય ખારીકટ કેનાલના પટ્ટાવાળા ભાગમાં તો જાણે ડ્રેનેજ સિસ્ટમ જ ઠપ થઇ ગઇ હોય તેવી સ્થિતિ છે. ચોમાસામાં તો આખો પટ્ટો ગટર અને વરસાદી પાણીમાં ડુબી જાય છે.

વોટર પંમ્પિગ સ્ટેશન બન્યું છે છતાંય તે પાણીને ખેંચવામાં નિષ્ફળ પુરવાર થયું છે. ઓઢવ મ્યુનિ.વોર્ડ ઓફિસ સામે બારેમાસ ઉભરાતી ગટરની સમસ્યાના ઉકેલ માટે તાજેતરમાં નવો આરસીસી રોડ બનાવાયો છે. તેમ છતાંય ગટરો ઉભરાઇ રહી છે. ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે. 

વાહનચાલકો, વેપારીઓ, કામદારો અને વોર્ડ ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અરજદારો આજ ગંદા પાણીમાંથી થઇને પસાર થવા મજબૂર છે. રહીશોની માંગણી છેકે ગટર લાઇનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવમાં આવે, બજેટમાં વિશેષ જોગવાઇ કરીને નવી ગટર લાઇન નાંખવામાં આવે તે આવશ્યક છે. 

ઓઢવ વોર્ડમાં અનેક નીચાણવાળા વિસ્તાર છે. ચોમાસામાં ઘરોમાં પાણી ભરાઇ રહ્યા છે. લોકોની ઘરવખરીને નુકશાની થઇ રહી છે. કાયમી આ સમસ્યાને ધ્યાને લઇને તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનનો એક્સન પ્લાન ઘઢી કાઢે તેવી રહીશોની માંગણી છે.