૧૪ જુલાઈએ પરીક્ષા પૂરી પણ એમકોમના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવાનુ શરુ થયુ નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેવુ લાગે છે.૧૪ જુલાઈએ એમકોમ ફાઈનલની પરીક્ષા પૂરી થઈ હતી પણ હજી સુધી તેની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી જ શરુ નહીં થઈ હોવાનુ સપાટી પર આવ્યુ છે.
ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, હવે ઉત્તરવહીઓ તપાસવાનુ કામ હાથ પર લેવાયુ છે.સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ કાર્યરત થઈ ગયો છે અને આવતીકાલથી ઉત્તરવહીઓ તપાસવાનુ શરુ થઈ જશે.આમ છતા એમકોમ ફાઈનલનુ પરિણામ જાહેર કરવામાં વિલંબ થશે તે નિશ્ચિત છે.કુલ મળીને એમકોમ ફાઈનલની ૧૪૦૦૦ ઉત્તરવહીઓ તપાસવાની છે અને સાથે સાથે ઈવનિંગ પીજી ડિપ્લોમા કોર્સની પરીક્ષાની ૧૦૦૦ ઉત્તરવહીઓ તપાસવાની પણ બાકી છે.જેનુ ચેકિંગ પણ હવે શરુ કરાશે.
બીજી તરફ એફવાયબીકોમમાં પરીક્ષા બાદ ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી ચાલુ છે પણ એફવાયની પણ ૨૩૪૩૨ ઉત્તરવહીઓ તપાસવાની બાકી છે.જેમાં સૌથી વધારે ૮૮૫૧ ઉત્તરવહીઓ બિઝનેસ સ્ટેટેસ્ટિક વિષયની અને એ પછી ૮૨૫૦ ઉત્તરવહીઓ કોમ્યુનિકેશન સ્કિલ વિષયની છે.આમ એફવાયબીકોમના પરિણામના પણ બીજા એકાદ મહિના સુધી ઠેકાણુ પડે તેમ લાગતુ નથી.
રગશિયા ગાડાની જેમ ચાલતી કોમર્સ ફેકલ્ટીના પરિણામો જાહેર કરવામાં તો વિલંબ થઈ જ રહ્યો છે પણ સાથે સાથે ૨૦૨૨-૨૩ના વર્ષમાં એફવાયનુ શિક્ષણકાર્ય ક્યારે શરુ થશે તેની તારીખ પણ હજી નક્કી થઈ નથી.