એસજીહાઇવે ઉપર યુવકનું અને નિકોલમાં મહિલાનું મોત
અમદાવાદમાં વાહન અકસ્માતના બે બનાવોમાં
કારની ટક્કરથી યુવકનું મોત ઃ ડમ્પર નીચે કચડાતાં મહિલા મોતને ભેટી
અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતના બાનવો વધી રહ્યા છે.એસજી હાઇવે ઉપર કારની ટક્કરથી યુવકનું અને નિકોલમાં ડમ્પર નીચે કચડાતાં મહિલાનું થયું હતું. અકસ્માત સર્જાયા બાદ વાહન મૂકી ડ્રાઇવરો ફરાર થઇ ગયા હતા.
આ કેસની વિગત એવી છે કે ચાંદલોડિયા ઔડાના મકાનમાં રહેતા ફર્નિચરનું કામ કરતા રામબરન રામસનેહી ઓઝા (.વ.૪૬) ગઇકાલે રાતે ૮.૪૫ કલાકે બાઇક લઇને એસજીહાઇવે ઉપર વાયએમસીએ ક્લબ પાસેથી પસાર થઇ રહ્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે ટક્કર મારી હતી જેથી ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત થયું હતુ. આ બનાવ અંગે ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે કારના નબર આધારે અને સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવમાં નિકોલમાં કુર્મીપાર્ક ખાતે રહેતા ગીતાબહેન. એમ બોરડ (ઉ.વ.૪૬) ગઇકાલે સવાર ૯.૩૦ વાગે તેમના ભત્રીજાના એક્ટિવા પાછળ બેસીને મંગલ પાન્ડે હોલ પાસેથી પસાર થતા હતા આ સમયે ડમ્પરના ડ્રાઇવરે એક્ટિવાને ટક્કર મારતા ડમ્પરના ટાયર નીચે આવી જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બન્ને બનાવમાં વાહન ચાલકો ફરાર થઇ ગયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.