સાયબર ક્રાઇમે આરટીઓ ટ્રેક તપાસ્યો : સ્ટાફની પુછપરછ કરી

Updated: Aug 6th, 2023


Google NewsGoogle News


સાયબર ક્રાઇમે આરટીઓ ટ્રેક તપાસ્યો : સ્ટાફની પુછપરછ કરી 1 - image

પોલીસ દ્વારા દરોરજ મુલાકાતને પગલે એજન્ટ્સમાં દોડધામ

ફોર વ્હિલરના ટ્રેકની રૃબરૃ મુલાકાત લઇને નાપાસ થવાના કારણો અને ટેકનિકલ છેડછાડ અંગે પણ માહિતી મેળવી

ગાંધીનગર :  ગાંધીનગર આરટીઓ દ્વારા ટ્રેક ઉપર ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ કાઢી આપવામાં આવતા હતા આ ઉપરાંત ઘણા કિસ્સામાં ટેકનીકલ છેડછાડ કરીને નાપાસ ઉમેદવારોને પાસ કરવાનું પણ કૌભાંડ ચાલતું હતું તે સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા દરરોજ આરટીઓમાં ધામા નાંખતા હાલ એજન્ટ્સમાં ફફડાટ ફેલાયો છે. આજે પણ પોલીસે ટ્રેકની મુલાકાત લઇને કઇરીતે ટેકનીકલ છેડછાડ શક્ય છે તેની માહિતી મેળવવામાં આવી હતી.

ગાંધીનગર આરટીઓ હમણા ચર્ચાના કેન્દ્રમાં છે.ખોટા ડોક્યુમેન્ટથી કશ્મીરના યુવાકોના લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં ક્રાઇમબ્રાન્ચ તપાસ કરી રહ્યું છે તેવી સ્થિતિમાં ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ કાઢવાનું અને નાપાસ ઉમેદવારને ટેકનીકલ છેડછાડ કરીને પાસ કરી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. અમદાવાદ આરટીઓની ફરિયાદને પગલે સાયબર ક્રાઇમ પોલીસ આ અંગે તપાસ કરી રહ્યું છે જે અંતર્ગત બે ઇન્સ્પેક્ટર અને એજન્ટ્સની પણ ધરપકડ આ કિસ્સામાં પોલીસે કરી છે અને તેમની પુછપરછમાં આ રેકેટ મોટું હોવાનું સામે આવ્યું છે જેના પગલે સાયબર ક્રાઇમની ટીમ દરરોજ આરટીઓ કચેરીમાં ધામા નાંખે છે જેના કારણે એજન્ટ્સમાં ફફડાટ ફેલાયો છે. તો બીજીબાજુ આજે સાયબર ક્રાઇમ પોલીસના અધિકારીઓએ કચેરીના સ્ટાફની પુછપરછ કરી હતી તેમજ આરટીઓ ટ્રેકની રૃબરૃ મુલાકાત લઇને તપાસ કરી હતી. ટ્રેકમાં ક્યાં ક્યાં ઉમેદવારોની ભુલ થાય અને તેવા કિસ્સામાં ઇન્સ્પેક્ટર ક્યા ટેકનીલકલ છેડછાડ કરીને તેમને પાસ કરે છે તેની માહિતી પણ કોમ્પ્યુટર અને સિસ્ટમ ચેક કરીને મેળવી હતી. ઉપરાંત ઇન્સ્પેક્ટરોને જેમની સાથે ઉઠક બેઠક હતી તેવા એજન્સ્ટને પણ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પણ કડકાઇથી પુછપરછ કરવામાં આવી છે. સામાન્યરીતે આ ફરિયાદ તો નવ લાયસન્સ માટે જ થઇ છે પરંતુ તપાસમાં મોટા રેકેટનો ખુલાસો થશે તે નક્કી છે.

સૈન્યના નામે બોગસ લાયસન્સકાંડમાં આરટીઓએ ૩૧૬ લાયસન્સ રદ કર્યા

ઇન્ટલીજન્સમાંથી મળેલી માહિતીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા સૈન્યના નામે કોટા પુરાવા બતાવીને લાયસન્સ કાઢી અપાતા હતા. પોલીસે ગાંધીનગરના બે એજન્ટની આ બાબતે ધરપકડ કરીને પુછપરછ કરતા મોટા ખુલાસા થયા હતા અને કાશ્મીરના યુવાનોના નામે ગાંધીનગરના એડ્રેસ ઉપર લાયસન્સ કાઢી આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને ઉંડાણપુર્વકની તપાસ પણ કરવામાં આવી રહી છે. તે દરમ્યાન જે જે કિસ્સામાં બોગસ ડોક્યુમેન્ટ અથવા લાયસન્સ મળી આવ્યા છે તેવા લાયસન્સ નંબર ક્રાઇમબ્રાન્ચે ગાંધીનગર આરટીઓને આપ્યા છે. જેના આધારે ગાંધીનગર આરટીઓએ આ લીસ્ટને ધ્યાનમાં રાખીને કુલ ૩૧૬ જેટલા લાયસન્સ રદ કરી દીધા છે. જો કે, આ લીસ્ટ આગામી દિવસમાં વધે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.


Google NewsGoogle News