ધાર્મિક વિધી માટે ભેગા થયેલા 18 સામે જાહેરનામા ભંગનો ગુનો
દશામાની સ્થાપના, પીંડદાન અને અસ્થિ વિસર્જન માટે એકઠા થઈને સોશિયલ ડિસટન્સ ન જાળવ્યું
અમદાવાદ, સોમવાર
રિવરફ્રન્ટ પર નારણઘાટ પાસે વિવિધ ધાર્મિક વિધી માટે એકઠા થયેલા ૧૮ જણાની રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ધરપકડ કરી હતી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા પોલીસે તેમની વિરૃધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.
આ બનાવની વિગત મુજબ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસને માહિતી મળી હતી કે સુભાષબ્રિજ પાસે નારણઘાટ પર મોટી સંખ્યામાં લોકો ધાર્મિક વિધી માટે એકઠા થયા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી. જેને આધારે પોલીસે ૨૦ જુલાઈના રોજ સવારે ૧૧.૨૦ વાગ્યે નારણઘાટ પર તપાસ કરતા લોકો ધાર્મિક વિધી કરતા નજરે ચડયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ એકઠા થયેલા લોકો ધાસામાની સ્થાપનાની વિધી ઉપરાંત પીંડદાન અને અસ્થિવિસર્જન માટે એકઠા થયા હતા. જોકે પોલીસને જોઈને ઘણા લોકો અહીંથી બાગી ગયા હતા. પોલીસે અહીંથી ૧૮ જણાની ધરપક કરીને તેમની વિરૃધ્ધ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા બદલ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અહીં બંદોબસ્ત ગોઠવી દીધો છે.