વડોદરામા ઘર વિનાના બે હજાર લોકોને આશ્રય આપવા કોર્પોરેશન વધુ 8 નાઈટ શેલ્ટર બનાવશે
- વડોદરામાં નાઈટ શેલ્ટરની નબળી કામગીરીથી સરકાર નાખુશ
- પ્રાથમિક સર્વેમાં વડોદરામાં 4536 લોકો ઘર વિનાના જણાયા
વડોદરા, તા. 8 ફેબ્રુઆરી 2020, શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2020- 21નુ રૂપિયા 3,769 કરોડનુ ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું. ત્યારે શહેરમા રહેતા ઘરવિહોણા લોકો માટે 8 નાઈટ શેલ્ટર બનાવવાની પણ જાહેરાત કરાઇ હતી. વડોદરામાં હાલ 6 જગ્યાએ નાઈટ શેલ્ટર છે, જેના 14 મકાન છે. જેનું સંચાલન અને નિભાવણીનું કામ ત્રણ સંસ્થાને સોંપાયું છે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા ઘર વિનાના લોકોના સર્વેની કામગીરી પૂરી થઈ છે. જેમાં 4536 લોકો ઘરવિહોણા જણાયા છે. આશરે બે હજાર લોકોને આશરો આપી શકાય તેવી રીતે આયોજન હાથ ધરાયું છે અને તેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ગાંધીનગર ખાતે મિશનની મોકલવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ ઘર વિનાના લોકો માટે રાજ્ય કક્ષાએ આવા આશ્રયસ્થાનની સ્થિતિનું મોનિટરિંગ કરવાનું કહેતા ગુજરાતમાં મોનિટરિંગ સમિતિની રચના કરાઈ છે, જેની મિટીંગ વડોદરામાં યોજાઇ હતી.
આ મિટિંગમાં વડોદરા શહેર ઉપરાંત જિલ્લા મુખ્ય મથકની નગરપાલિકાઓ તેમજ આણંદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર વગેરેના પ્રતિનિધિ હાજર રહ્યાં હતા. વડોદરા સહિતના વિસ્તારોમાં નાઈટ શેલ્ટરની કામગીરી નબળી રહેતા સરકારે તેની ગંભીર નોંધ લીધી છે, અને નારાજગી વ્યક્ત કરી છે. વડોદરાની વાત કરીએ તો હાલ નાઈટ સેલ્ટરમાં 286 લોકો જ છે, લાભ લઇ રહ્યા છે.
બાકીના લોકોને પણ સમાવી લેવાય તે રીતે કામગીરી કરવા સૂચના અપાઇ છે. ઘર વિહોણા લોકોને માત્ર રાતવાસો જ નહીં પણ આરોગ્યલક્ષી અને પ્રાથમિક સુવિધા આપવા તેમજ સરકારની વિવિધ યોજનાના લાભ મળે તે માટે કાર્ડ આપવાની કામગીરી કરવાનું પણ કહ્યું છે. આવતા મહિને ફરી વાર મોનિટરિંગ સમિતિની સમીક્ષા મીટીંગ મળશે તેમ જાણવા મળ્યું છે.