અમદાવાદમાં વધુ 182 નાગરિકો કોરોનાની ઝપેટમાં, ચારનાં મૃત્યુ
- 3169માંથી 1603 એકટિવ કેસો માત્ર પશ્ચિમના વિસ્તારોના
- કે. કેલાસનાથને સ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં પ્રયાસો ચાલુ રાખવા જણાવ્યું : ખાનગી હોસ્પિટલોમાં દર્દીને દાખલ થવામાં હાલાકી
અમદાવાદ, તા. 18 જુલાઇ, 2020, શનિવાર
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે એક જ દિવસમાં વધુ 182 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થઇને કે હોમ-આઇસોલેશનમાં રહીને સારવાર લેવાનું ચાલુ કર્યું છે, જ્યારે ચાર દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયાનું સરકારની યાદીમાં જણાવાયું છે.
બીજી તરફ સારવાર લઇને સાજા થયેલા 154 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમ્યાન આજે અધિકારીઓની મીટીંગમાં કે. કૈલાસનાથને અમદાવાદ મોડલની સરાહના કરી હતી.
અમદાવાદ મ્યુનિ.ની હદમાં આ સાથે કુલ દર્દીનો આંકડો 22952 થયો છે, જ્યારે કુલ મૃત્યુ આંક 1501ને આંબી ગયો છે. જોકે સ્મશાન-કબ્રસ્તાનમાં નોંધાતા આંકડા અને સરકાર દ્વારા જાહેર થતાં આંકડાથી ઘણાં વધુ હોય છે. દર્દીના આંકડાઓ પણ સેન્સર થતાં હોવાની લોકોના મનમાં શંકા ઊભી થઇ છે.
રાજ્યના બીજા તમામ કોર્પોરેશનો દ્વારા દર્દીઓ અને મૃતકોના નામ સાથેની યાદી સહીતની વિગતો મીડિયાને આપવામાં આવે છે. જ્યારે અમદાવાદ મ્યુનિ.ના તદ્દન નિષ્ફળ પુરવાર થયેલાં હેલ્થ વિભાગના તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કયા વોર્ડમાં કે ઝોનમાં નવા કેટલાં દર્દી નોંધાયા તે આંકડા પણ છૂપાવવામાં આવે છે.
ખરેખર તો લોકોને પોતાના વિસ્તારમાં કેટલાં કેસ છે, તેની જાણ થાય તો તે સચેત રહે. પરંતુ ઉચ્ચ અધિકારીઓને તો માત્ર આંકડા છૂપાવવામાં જ ઊંડો રસ છે. માત્ર એક્ટિવ કેસ સિવાય કોઇ જ માહિતી મ્યુનિ. દ્વારા જાહેર કરાતી નથી. કેમકે તેમને કદાચ તેમના ગોટાળાં પકડાઇ જવાની ભીતિ લાગતી હશે.
બીજી તરફ એસવીપીમાંથી ખાનગી હોસ્પિટલમાં મોકલાતા દર્દીને એમ્બ્યુલન્સની સુવિધા તો નથી મળતી પણ સંબંધિત હોસ્પિટલ પહોંચ્યાપછી તેમને દાખલ કરવામાં જ ખાસો સમય વીતી જાય છે. આજે સિમ્સ હોસ્પિટલનો આવો જ કેસ ચર્ચામાં આવ્યો છે. દરમ્યાનમાં 3169 એકટિવ કેસોમાંથી 1603 પશ્ચિમના વિસ્તારોના છે.
દરમ્યાનમાં આજે ઉચ્ચ અધિકારીઓની મીટીંગમાં ઉપસ્થિત રહેલા કે. કૈલાસનાથને સ્થિતિ થોડી નિયંત્રણમાં આવી ગઇ છે, તે માટે સૌને અભિનંદન આપ્યા હતા અને હાલ જે પ્રયાસો ચાલુ કર્યા છે, તે યથાવત રાખવા સૂચના આપી હતી.
પાન-મસાલા બંધાવીને ઘેર લઇ જવાના રહેશે
પાનના ગલ્લાઓને આડેધડ સીલ મારી દેવાનો મુદ્દો હજુ પણ ચર્ચામાં છે. જો કે ગલ્લાં ખોલવા દીધા ત્યારે એવી જાહેરાત થઇ હતી કે પાન, મસાલા, માવા વગેરે બંધાવીને ઘેર લઇ જઇને ખાાવાના રહેશે. આ શરતનો અમલ નહોતો થતો તે હવે કરાવવાનું ચાલુ થઇ જશે તેમ જણાય છે. આ માટે એકાદ-બે દિવસમાં ચોક્કસ સૂચનાઓ સાથએનો પરિપત્ર બહાર પડશે તેમ જણાય છે.
કયા ઝોનમાં કેટલાં એકટિવ કેસો ?
મધ્ય ઝોન |
226 |
ઉત્તર ઝોન |
422 |
દક્ષિણપશ્ચિમ ઝોન |
460 |
પશ્ચિમ ઝોન |
621 |
ઉત્તરપશ્ચિમ ઝોન |
522 |
પૂર્વ ઝોન |
436 |
દક્ષિણ ઝોન |
442 |
કુલ |
3169 |