એમ.એસ.યુનિ.નો ૬૮મો પદવીદાન સમારોહ ૨૯ જાન્યુઆરીએ યોજાશે
વડોદરા,તા.10.જાન્યુઆરી,શુક્રવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીનો ૬૮મો વાર્ષિક પદવીદાન સમારોહ આખરે ૨૯ જાન્યુઆરીએ યોજાશે.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આજે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રોફેસર ડી પી સિંઘ મુખ્ય અતિથિ તરીકે હાજર રહીને દિક્ષાંત પ્રવચન આપશે.
આ જાહેરાત બાદ હવે નક્કી થઈ ગયુ છે કે, પદવીદાન સમારોહમાં કોઈ કેન્દ્રીય મંત્રી હાજરી નહી આપે.અગાઉ ૧૩ જાન્યુઆરીએ પદવીદાન સમારોહ યોજાશે તેવી સંભાવના વ્યક્ત કરાતી હતી પણ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરીનુ કન્ફર્મેશન નહી મળતા આ તારીખ પડતી મુકવી પડી હતી.તેના પહેલા ડિસેમ્બરના અંતમાં પદવીદાન સમારોહનુ આયોજન કરવાનુ નક્કી કરાયુ હતુ.જોકે તે પણ શક્ય બન્યુ નહોતુ.
આ સમારોહમાં ૧૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓન ડિગ્રી એનાયત કરાશે.અન્ય યુનિવર્સિટીઓમાં નવેમ્બર મહિના સુધીમાં સામાન્ય રીતે પદવીદાન સમારોહ યોજાઈ જતો હોય છે ત્યારે યુનિવર્સિટી દ્વારા મુખ્ય અતિથિ તરીકે કોને આમંત્રિત કરવા તેની કવાયતમાં કરાયેલા અસહ્ય વિલંબના કારણે વિદ્યાર્થીઓને સહન કરવાનો વારો આવ્યો છે.વિદ્યાર્થીઓને છેક જાન્યુઆરી મહિનાના અંતમાં ડિગ્રી મળશે.
પરંપરા પ્રમાણે સમારોહના આગલા દિવસે એટલે કે ૨૮ જાન્યુઆરીએ ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓનુ સન્માન કરવા માટે વાઈસ ચાન્સેલરના નિવાસ સ્થાને વી આર પ્રાઉડ ઓફ યુ નામનો એક કાર્યક્રમ પણ યોજવામાં આવશે.