કોંગ્રેસ MLA ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આજે જ CM સાથે કરી હતી મુલાકાત
અમદાવાદ, તા. 14 એપ્રીલ 2020, મંગળવાર
ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કહેર છે ખાસ તો અમદાવાદ માટે કોરોના વાયરસ એ ઘણો ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે આજે થયેલી જાહેરાત મુજબ આવતી કાલ સવારથી જૂના અમદાવાદમાં કર્ફ્યુ લાગી જશે. ત્યારે હવે તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગુજરાત કોંગ્રેસના નેતા અને અમદાવાદ જમાલપુર ખાડિયાના ધારાસભ્યનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે.
સૌથી મોટી વાત તો એ છે કે, ઈમરાન ખેડાવાલાએ આજે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટીવ આવતા નેતાઓ પણ હવે ફફડાટ વ્યાપી ગયો છે. આ રિપોર્ટ બાદ હવે ભાજપ નેતાઓ અને CM સહિત નેતાઓના ટેસ્ટ કરવામા આવશે.
અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિટિંગ યોજી હતી. મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી. જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના કેસને પગલે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.