અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધનાર સામે ફરિયાદ
Updated: Sep 19th, 2023
image : Freepik
- ગુડ મોર્નિંગથી શરૂ થયેલા મેસેજ આઇ લવ યુ અને આઇ મિસ યુ સુધી પહોંચી ગયા : રેપનો ગુનો દાખલ
- પરિણીતાના ઘરે જઇ અવાર-નવાર જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધી અંગત ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપનાર આરોપી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
મૂળ રાજકોટની અને હાલમાં શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 32 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,જાન્યુઆરી 2023માં હું ઘરે એકલી હતી. તે સમયે અમારા પરિચિત સંકેત અમુભાઇ રાઠોડની દીકરી અમારા ઘરે આવી હતી. તેણે મને કહ્યું કે, મારે મારા પિતાને ફોન કરવો છે, મારા ફોનમાં બેલેન્સ નથી તો તમારો ફોન આપો. જેથી, મેં મારો ફોન તેને આપ્યો હતો. તેણે મારા ફોન પરથી તેના પિતા સંકેતભાઇ સાથે વાત કરી હતી. જેથી, મારો નંબર સંકેતભાઇ પાસે જતો રહ્યો હતો. તેમણે બીજા દિવસે સવારે મારા ફોન પર ગુડ મોર્નિંગનો મેસેજ કરતા મેં પણ ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો હતો. ત્યારબાદ અમારી વચ્ચે મેસેજ તથા વાતચીત થતી હતી. બે-ત્રણ દિવસ પછી બપોરે મારો દીકરો સૂઇ ગયો હતો. ત્યારે અચાનક ડોર બેલ વાગતા મેં દરવાજો ખોલ્યો હતો. સંકેતભાઇ એકદમ અંદર આવી ગયા હતા. તેમણે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. તેઓ મને કહેવા લાગ્યા હતા કે, હું તને પ્રેમ કરૂ છું. મેં ના પાડતા તેમણે કહ્યું કે, તને શું વાંધો છે ? તેમ કહી મને બાથમાં ભરી લઇ કિસ કરવા લાગ્યા હતા. અને જબરજસ્તીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેઓએ મને ધમકી આપી કે, જો તું કોઇને કહીશ તો તારા છોકરા અને ઘરવાળાને હું ગાયબ કરી દઇશ. તું મને ઓળખતી નથી. ત્યારબાદ જ્યારે મારા પતિ નોકરી જાય ત્યારે સંકેતભાઇ મારા ઘરે આવતા હતા. તેઓ જબરજસ્તીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. એક મહિના પછી તેમણે મને કહ્યું કે, તારા અંગત ફોટા મારા ફોનમાં છે. તે ફોટા હું વાયરલ કરી તને બદનામ કરી દઇશ. જેથી, હું ખૂબ ડરી ગઇ હતી.
સંકેત રોજ મને આઇ લવ યુ અને આઇ મિસ યુ ના મેસેજ મોકલતો હતો. અને મારા પાસે પણ જબરજસ્તીથી આવા મેસેજ લખાવતો હતો. ગત તા. 8મી સપ્ટેમ્બરે હું મારા ઘરે એકલી હતી. અને જબરજસ્તીથી મારી સાથે સંબંધ બાંધ્યો હતો. હું ના પાડું તો પણ તેઓ મારા ઘરે આવતા હતા. તેનાથી ત્રાસીને છેવટે મેં મારા પતિને વાત કરી હતી.
ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપી સંકેત અમુભાઇ રાઠોડ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.