એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાઇ
કંપનીમાં સલામતીની ખામી અંગે કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવશે
વડોદરા, તા.12 જાન્યુઆરી, રવિવાર
પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલી એઇમ્સ ઓક્સિજન કંપનીમાં પ્રચંડ વિસ્ફોટમાં છ કામદારોના મોતની ઘટના બાદ કંપનીને ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે આ સાથે તંત્ર દ્વારા તપાસનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ગઇકાલે સવારે કંપનીમાં નાઇટ્રોજન અને ઓક્સિજનના સિલિન્ડરો એક ટ્રકમાં ભરવાની કામગીરી ચાલતી હતી ત્યારે અચાનક થયેલા પ્રચંડ ધડાકામાં છ વ્યક્તિના મોત નિપજ્યા હતાં. આ ઓદ્યોગિક દુર્ઘટના બાદ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીમાં થયેલા બ્લાસ્ટની દુર્ઘટનાની તપાસ શરૃ કરી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કામદારોના નિવેદનો લેવામાં આવશે જેમાં કંપની સંચાલકો દ્વારા સલામતી અંગે કાળજી રાખવામાં આવી છે કે નહી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
છ કર્મચારીના મોતની ઘટના બાદ આજે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા એઇમ્સ ઇન્ડસ્ટ્રિયલ પ્રા.લી. કંપનીને ક્લોઝર નોટિસ આપી દેવાઇ છે. કંપનીના સંચાલકો દ્વારા જ્યાં સુધી સ્ટેબિલિટિ સર્ટિફિકેટ રજૂ કરવામાં ના આવે ત્યાં સુધી આ કંપની બંધ હાલતમાં રહેશે.