આર્યુવેદિક કોલેજની હોસ્ટેલમાં ચેકિંગ દરમિયાન સિગારેટના ઠુંઠા મળ્યા
વડોદરા,તા.31.જાન્યુઆરી,શુક્રવાર,2020
શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ દરવાજા બહાર આવેલી સરકારી આર્યુવેદિક કોલેજના હોસ્ટેલના ચેકિંગ દરમિયાન એક રુમમાંથી સિગારેટના ઠુંઠા મળી આવ્યા બાદ હોસ્ટેલ સત્તાધીશોએ બે રુમને તાળુ મારી દીધુ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
આ મુદ્દે આજે એબીવીપીની સાથે મળીને હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓએ કોલેજમાં દેખાવો પણ કર્યા હતા.દરમિયાન કોલેજના આચાર્ય ભરત કલસરિયાનુ કહેવુ હતુ કે, એક સપ્તાહ પહેલા જ હોસ્ટેલની સફાઈ કરાવાઈ છે.બીજી તરફ ગાંધીનગરથી આદેશ હોવાના કારણે કોલેજ દ્વારા હોસ્ટેલ કમિટી બનાવાઈ છે.જેના સભ્યો હોસ્ટેલમાં અવાર નવાર ચેકિંગ કરે છે.
આચાર્યના કહેવા પ્રમાણે કોલેજનો સમય ૯-૩૦ થી ૪ વાગ્યાનો છે અને ગુરુવારે સવારે ૧૦ વાગ્યે ચેકિંગ કરાયુ ત્યારે બે રુમમાંથી સિગારેટના ઠુંઠા મળી આવ્યા હતા.અહીંયા હાજર બે વિદ્યાર્થીઓની ચેકિંગ કરનારા અધ્યાપકોએ પૂછપરછ કરી ત્યારે તેઓ ગેરવર્તણૂંક અને ગાળાગાળી કરવા માંડયા હતા.ખરેખર તો કોલેજના સમય દરમિયાન આ વિદ્યાર્થીઓએ કોલેજમાં હોવુ જોઈતુ હતુ.એ પછી આ રુમને સીલ કરી દેવાયો હતો.રુમમાં રહેતા વિદ્યાર્થીનુ ઉપરાણુ લઈને એબીવીપીના નેતાઓએ આજે કોલેજમાં દેખાવો કરીને મનઘડંત આક્ષેપો કર્યા હતા.દેખાવો કરનારામાં કોલેજના તો માત્ર ૧૦ જેટલા જ વિદ્યાર્થીઓ હતા અને બાકીના બહારના હતા.જેના રુમમાંથી સિગારેટના ઠુંઠા મળ્યા છે તે રુમમાં રહેતો વિદ્યાર્થીને સાત દિવસ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.એબીવીપીના નેતાઓ પરીક્ષામાં વિદ્યાર્થીને નાપાસ કરવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ કરે છે તે સાવ ખોટા છે
અધ્યાપક માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે એબીવીપીના દેખાવો
આર્યુવેદિક કોલેજમાં આજે દેખાવો કરનાર એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, કોલેજના અધ્યાપક દિપકભાઈ વિદ્યાર્થીઓને નાની વાતમાં વાયવામાં ફેલ કરવાની, પરીક્ષાનુ ફોર્મ નહી ભરવા દેવાની ધમકી આપીને પોતાના હોદ્દાનો દુરપયોગ કરે છે.આ બાબતે રજૂઆત પછી પણ આચાર્ય દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.જો અધ્યાપક પર કાર્યવાહી નહી કરાય તો એબીવીપી દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે.એબીવીપીના આગેવાનોએ હોસ્ટેલમાં ચેકિંગ દરમિયાન સિગારેટના ઠુંઠા મળ્યા હોવાના કોલેજ સત્તાધીશોના દાવાને પણ ફગાવી દીધો હતો.