તવેરા ગાડી ખરીદવાના બહાને માલિકના ૨.૮૦ લાખ પડાવ્યા
વેચાણ કરાર કર્યો અને પૈસા પણ ના આપ્યા તેમજ પોલીસ પણ કશુ નહી કરે તેવી ધમકી આપી
વડોદરા, તા.12 જાન્યુઆરી, રવિવાર
માંજલપુર વિસ્તારના ભેજાબાજ અશ્વિન પટેલે વધુ એક ગાડી ખરીદવાના બહાને પડાવી લઇ માલિકને પૈસાની ચુકવણી પણ ના કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
મકરપુરામાં શ્રીજીનગર ખાતે રહેતા તેમજ બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાજુ ચન્દ્રકાંત વિચારે તા.૧૫ મેના રોજ બપોરે ઘેર હતા ત્યારે તેમના મિત્ર ભરત ડાંગે એક વ્યક્તિને ઘેર લઇને આવ્યા હતા અને તે વ્યક્તિનો પરિચય કરાવ્યો હતો. તે વ્યક્તિએ પોતાનું નામ અશ્વિન પરસોત્તમ પટેલ (રહે.શીવરામનગર, અલવાનાકા, માંજલ્પુર) જણાવ્યું હતું અને પોતાની મીત ટ્રાવેર્લ્સ નામની તરસાલી બાયપાસ પાસે ઓફિસ છે તેમજ રાજુભાઇની સફેદ તવેરા લેવાની વાત કરી હતી.
તવેરા ખરીદવાનો રૃા.૪ લાખમાં સોદો નક્કી થયા બાદ બીજા દિવસે અશ્વિને રૃા.૪૦ હજાર આપી વેચાણ કરાર પણ કર્યા હતાં. બાદમાં અશ્વિને વેચાણ પેટે રૃા.૧.૨૦ લાખ આપ્યા હતા પરંતુ રૃા.૨.૮૦ લાખ આપવા માટે બહાના બતાવ્યા કરતો હતો આખરે રાજુભાઇએ અશ્વિનને ફોન કરતા અશ્વિને હમણાં મારી પાસે પૈસા નથી ક્યાંથી તમને આપું? તમારે જે કરવું હોય તે કરી શકો છો, તમે પોલીસમાં પણ ફરિયાદ કરશો તો મને કોઇ ફરક પડતો નથી તેમ કહ્યું હતું.
ઉપરોક્ત વિગતો સાથેની ફરિયાદ રાજુ વિચારેએ અશ્વિન સામે નોંધાવતા મકરપુરા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે મહા ઠગ એવા અશ્વિન પટેલ સામે ગાડી ભાડેથી લેવા અથવા વેચાણના બહાને ઠગાઇની પાંચ ફરિયાદો પણ નોંધાઇ છે.