Get The App

સાવધાન! કોરોનાની રિકવરીમાં ગુજરાતની સ્થિતિ નિરાશાજનક

- અત્યાર સુધીમાં એક પણ દર્દી સાજો થઈને ઘરે જઈ શક્યો નથી

- સમગ્ર દેશમાં સૌથી વધુ 4-4 દર્દીનાં મોત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયા છે, લોકો ધ્યાન નહીં રાખે તો હજૂ ૫ણ વધુ ભોગવવાનો વારો આવશે

Updated: Mar 28th, 2020

GS TEAM

Google News
Google News
સાવધાન! કોરોનાની રિકવરીમાં ગુજરાતની સ્થિતિ નિરાશાજનક 1 - image


અમદાવાદ, તા. 28 માર્ચ 2020, શનિવાર

ભારતમાં બે દિવસમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ગુજરાત રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તેવી સ્થિતિ વચ્ચે બહાર આવતી એક હકીકત અનુસાર કોરોના પ્રભાવિત દર્દીઓની રિકવરીમાં અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાઈરસથી સૌથી વધુ મોત મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થયા છે. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ લોકો સામાજિક અંતર જાળવવાની બાબતનું વધારે ધ્યાન નહીં રાખે તો આગામી દિવસોમાં વધુ ભોગવવાનો વારો આવી શકે છે.

કોરોના વાઈરસના સંક્રમણના સંદર્ભમાં નોંધાયેલા આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં ર૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના પહોંચી ચૂક્યો છે. જેમાં ગુજરાત રાજ્યનું સ્થાન ચિંતાજનક કહી શકાય તેવા છઠ્ઠા ક્રમે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસનું નિદાન થયું હોય તેવા પપ જેટલા દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. આજે એક જ દિવસમાં આઠ દર્દીઓનો વધારો થયો છે. જેમાંથી ચાર દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્રને બાદ કરતા આટલા મોત કોઈ રાજ્યમાં થયા નથી. પ્રથમ ક્રમે આવતા કેરળમાં પોણા બસ્સોથી વધુ કેસ હોવાછતાં ફક્ત એક જ દર્દીનું મોત થયું છે! બીજી તરફનું પાસુ જોઈએ તો દર્દીઓની સંખ્યામાં ૧થી પ ક્રમમાં આવતા કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા અને ઉત્તરપ્રદેશ એમ તમામ રાજ્યમાં દર્દીઓ રિકવર થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તો ૬૧ દર્દીઓમાંથી ૧૧ સાજા થઈ ગયા છે.

જ્યારે મહારાષ્ટ્રમાં રપ અને કેરળમાં ૧ર દર્દીઓ રિકવર થઈ ગયા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં એક પણ દર્દીમાં કોરોનાની સારવાર કારગત નિવડી નથી. આ બાબત થોડી વધારે ગંભીર છે. લોકોમાં ભય ફેલાવવાની કોઈ વાત નથી, પરંતુ તબીબી સૂત્રોના મતે લોકોએ વધુ જાગૃત થવાની જરૂર છે. સોસાયટીઓમાં આજે પણ ઘણા લોકો ટોળે વળીને ઈન્ડોર કે આઉટ ડોર રમતો રમી રહ્યા છે. શાકમાર્કેટ તથા કરિયાણાની દુકાનો અને દૂધ લેવા જતી વખતે લોકો ટોળામાં ફરે છે. વ્યક્તિમાંથી વ્યક્તિમાં વાઈરસના સંક્રમણમાં આ બાબત જોખમી પુરવાર થઈ શકે છે.

શ્રમિકોને એક જગ્યાએ એકત્ર કરવાની બાબત ખતરારૂપ

સરકાર દ્વારા અત્યારે ગુજરાત છોડીને વતન તરફ જતા શ્રમિકોને રોકવામાં આવ્યા છે. તથા જુદા જુદા શહેરોમાં શેલ્ટર હોમ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં આવા શ્રમિકોને આશરો અપાયો છે. આજે સાંજે આવા લોકોનો સર્વે કરવાના આદેશો પણ જિલ્લા કલેક્ટરોને અપાયા છે. કોરોનાના મારણ માટે મહત્વની એવી સામાજિક અંતર જાળવી રાખવાની પ્રક્રિયામાં આ બાબત ખતરારૂપ બની શકે છે.

Tags :