ઓએનજીસીની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ, ઉમેદવારોના દેખાવો
વડોદરા,તા.21.જાન્યુઆરી, મંગળવાર, 2020
ઓએનજીસીના મકરપુરા ખાતે આવેલા સંકુલ બહાર સૂત્રોચ્ચાર સાથે ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યોઃ અધિકારીઓ વાત કરવા પણ તૈયાર નહી હોવાનો આક્ષેપ
વડોદરા,મંગળવાર
કેન્દ્ર સરકારની કંપની ઓએનજીસીમાં જુનિયર ડ્રાઈવર, ફાર્માસિસ્ટ સહિતની વિવિધ પોસ્ટો પર ભરતી કરવા માટે શોર્ટ લિસ્ટ કરાયેલા સંખ્યાબંધ ઉમેદવારોને ડોમિસાઈલ સર્ટિફિકેટની તારીખને લઈને રિજેક્ટ કરવામાં ઉમેદવારોમાં રોષ ફાટી નિકળ્યો છે.
ઓએનજીસીના આ પ્રકારના વલણથી રોષે ભરાયેલા ઉમેદવારોએ વડોદરામાં મકરપુરા ખાતે આવેલા ઓએનજીસી સંકુલની બહાર સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો.ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ઓએનજીસીના અધિકારીઓ ગુજરાતી ઉમેદવારોને અન્યાય કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર , ફાર્માસિસ્ટ, નર્સ, હેલ્થ એટેન્ડન્ટ જેવી વિવિધ ૭૦૦ જેટલી જગ્યાઓ માટે ગયા વર્ષે જુન મહિનામાં પરીક્ષા લેવાઈ હતી.પરીક્ષા બાદ શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વડોદરાના ઓએનજીસીની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા.આ પૈકીના એક ઉમેદવાર મૃગેશ જાદવે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ડોમિસાઈલ સર્ટિફિકેટ ૨૦ ફેબુ્રઆરી, ૨૦૧૯ પહેલાનુ હોવુ જોઈએ તેવી માંગણી અધિકારીઓ કરી રહ્યા છે અને જેમના ડોમિસાઈલ સર્ટિફિકેટ તે પછીના હોય તેમને રિજેક્ટ કરે છે.એ સિવાયના બીજા ડોક્યુમેન્ટ જોવાની અધિકારીઓએ તસ્દી પણ લીધી નથી.
અન્ય એક ઉમેદવારે કહ્યુ હતુ કે, અધિકારીઓ આ મુદ્દા પર વાત કરવા માટે જ તૈયાર નથી.જો ઉંચા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને ડોમિસાઈલ સર્ટિફિકેટની તારીખના મામલે રિજેક્ટ કરવામાં આવતા હોય તો ઉંચુ મેરિટ હોવાનો ફાયદો શું અન ેગુજરાતીઓ પાસે ડોમિસાઈલ સર્ટિફિકેટની તારીખના નિયમનો કેમ અમલ કરાવવામાં આવી રહ્યો છે?
ઉમેદવારોએ કહ્યુ હતુ કે, આ મુદ્દે અમે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરીશું અને હાઈકોર્ટમાં પણ જઈશું.