Get The App

સુરતથી ગુજરાતના તમામ સ્થળોએ જતી બસ 27મીથી 10 દિવસ બંધ

- કોરોના સંક્રમણ ટાળવા ખાનગી બસની અવરજવર પણ બંધ

- સુરતથી ગુજરાતના જુદાં વિસ્તારોમાં જતી સરકારી અને ખાનગી બસમાં રોજના 30 હજાર પેસેન્જરની અવરજવર

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
સુરતથી ગુજરાતના તમામ સ્થળોએ જતી બસ  27મીથી 10 દિવસ બંધ 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 25 જુલાઇ, 2020, શનિવાર

કોરોનાના સંક્રમણને રોકવામાં અપેક્ષિત સફળતા ન મળી હોવાથી સુરતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના  તમામ વિસ્તારોમાં જતી અને આવતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસોની અવરજવર 27મી જુલાઈથી પાંચમી ઓગસ્ટ સુધીના 10 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતથી ગુજરાતના જુદાં જુદાં વિસ્તારમાં રોજની 234 એક્સપ્રેસ બસ ઉપડે છે. તેમ જ ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાંથી સુરત તરફ રોજની 234 એક્સપ્રેસ બસ આવે છે.

કોરોનાના સંક્રમણને કારણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં ફૂટફોલ બહુ જ ઓછો થઈ ગયો હોવાથી બસદીઠ  અંદાજે 20 પેસેન્જર જ પ્રવાસ કરતાં હોવાનું માનવામાં આવે છે.

કુલ 1200 બસમાં મળીને 24000થી વધુ પેસેન્જરની અવરજવર થાય છે. તેનાથી જ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ થતું હોવાથી આજે ગુજરાત સરકારની ખાસ બેઠકને અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 26મી જુલાઈની મધરાતથી આ નિર્ણયનો અમલ શરૂ થઈ જશે.

તદુપરાંત સુરતની નિકટના વિસ્તારોમાં જીએસઆરસીટીસીની અંદાજે 366 વિસ્તારોમાં બસ જાય છે અને 366 વિસ્તારમાંથી બસ આવે છે. આમ કુલ મળીને સુરતથી કુલ 1200 જેટલી બસોની અવરજવર થતી હોવાનું ડિવિઝનલ કંટ્રોલરનું કહેવું છે.

સુરતથી અમદાવાદ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, મહેસામઆ, પાલનપુર, ભુજ, ગોધરા અને હિમ્મતનગર જેવા વિસ્તારોમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસો રોજની અવરજવર કરે છે. 

લૉકડાઉન દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં કોરોનાના કેસો જોવા મળ્યા હતા. તેની સામે અમરેલી જામનગર અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં કોરોનાના બહુ જ ઓછા કેસો હતા.

આ જ રીતે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પઁણ કોરોના સંક્રમણ બહુ જ ઓછું હતું. પરંતુ અનલૉક એક અને બે પછી લોકોની બેદરકારી અને એક શહેરમાંથી બીજા શહેરમાં લોકોની અવરજવર વધી જતાં કોરોના સંક્રમણના કેસો કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે.

સુરતના હીરાઘસુઓ સૌરાષ્ટ્ર તરફ જવા માંડતા અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કેસ ચાલુ થઈ ગયા હતા. અનલૉક 1 પહેલા અમરેલીમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નહોતો. ત્યારબાદ સૌરાષ્ટ્રના દરેક જિલ્લા સુધી કોરોનાનો ચેપ પહોંચ્યો છે. છેલ્લા ત્રણચાર દિવસથી રોજના 1000થી વધુ કોરોના સંક્રમણના કેસો આવી રહ્યા છે. 

ખાનગી બસોને પણ આ નિર્ણય લાગુ પડશે તેમ જીએસઆરટીસીના રવિ નિર્મલે જણાવ્યું હતું. કોરોનાના ચેપનું સંક્રમણ રોકવાના ઇરાદા સાથે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાનગી બસ ઓપરેટરોના બસ એન્ડ કાર કોન્ફેડરેશનનું કહેવું છે કે કોરોનાના સંક્રમણને કારણે ખાનગી બસો ઓછી સંખ્યામાં ચાલે છે, પરંતુ સુરતથી ગુજરાતના અમરેલી, ઉના, મહુવા, ઢસા, કોડિનાર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં બસ જાય છે.

આ તમામ વિસ્તારોની બસ મળીને અંદાજે રોજની 150 બસ સુરત જતી અને 150 બસ સુરતથી આવતી હોવાનો અંદાજ મૂકી શકાય છે. આ બસોમાં મળીને રોજના 5000થી 6000 પેસેન્જરની અવરજવર થતી હોવાનો અંદાજ મૂકી શકાય છે.

Tags :