બોરખેડા ગામના સરપંચનો પુત્ર રૃા.૧૫ હજારની લાંચ લેતા ઝડપાયો
સરપંચે પુત્રને લાંચ લેવા મોકલ્યો હતો ઃ સરપંચ વોન્ટેડ
દાહોદ તા.૨૮ જાન્યુઆરી, મંગવાર
દાહોદ જિલ્લાના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત શૌચાલયના બાંધકામ બાદ બોરખેડાના સરપંચે રૃ.૧૫ હજારની લાંચની માંગણી કરતાં સરપંચનો પુત્ર આજે દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે રૃ.૧૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો જ્યારે સરપંચની ધરપકડ કરવાના એસીબીએ ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ તાલુકાના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત લેફ્ટ આઉટ બેનીફીશરીઝ કુટુંબ માટે વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ,બોરખેડાએ કરવાનું હતુ. આ મંડળના પ્રમુખને તાલુકા પંચાયત કચેરી, દાહોદ તરફથી મળેલ વર્ક ઓર્ડર મુજબ પ્રથમ ૧૦ શૌચાલયો તૈયાર કર્યા હતા જે કામ પેટે બોરખેડા ગામના સરપંચ શંકરભાઈ વિરસીંગભાઈ માવીએ મંડળના પ્રમુખ પાસેથી રૃ.૧૫ હજાર લાંચની માંગણી કરી હતી પરંતુ મંડળના પ્રમુખ લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોઈ દાહોદ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
લાંચની રકમ આપવા માટે પ્રમુખે સરપંચનો સંપર્ક કરતા સરપંચ શંકરભાઈ વિરસીંગભાઈ માવીએ તેના પુત્ર મનોજને લાંચની રકમ લેવા મોકલ્યો હતો. આ દરમ્યાન દાહોદ હનુમાન બજારમાં દાહોદ એસીબીએ વોચ ગોઠવી હતી તે સમયે સરપંચનો પુત્ર રૃ.૧૫ હજારની પ્રમુખ પાસેથી લાંચની રકમ સ્વિકારતાં રંગે હાથે ઝડપાઇ જતા જેલ ભેગો કર્યા હતો.