ડમ્પરને જોઈ બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત : 2 માસૂમ બાળકીનાં મોત
- આણંદ તાલુકાના વેહરાખાડી બ્રિજ ઉપર
આણંદ,તા.2 જુન 2020, મંગળવાર
આણંદ તાલુકાના વહેરાખાડી ઓવરબ્રીજ ઉપર આજે સવારના સુમારે એક મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહેલ ત્રણ બાળકો સહિતના પરિવારને અકસ્માત નડયો હતો. સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ અજાણ્યા ડમ્પર ચાલકથી ગભરાઈ જઈ મોટરસાયકલ ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની સાઈડ ઉપર આવેલ એન્ગલ સાથે અથડાતા બે માસુમ બાળકીઓના કરૃણ મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. જ્યારે ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બાઈક ચાલક પત્ની, 2 પુત્રી અને પુત્ર સાથે સનાદરા જતો હતો: બાઈક એન્ગલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો
આણંદ જિલ્લાના કોસીન્દ્રા ખાતે રહેતા જગદીશભાઈ ગોરધનભાઈ પારેખ આજે સવારના સુમારે પોતાની પત્ની જલ્પાબેન તથા બે દિકરીઓ નવ્યા (ઉં.વ.૭), દિયા (ઉં.વ.૫) અને એક પુત્ર રૃદ્ર સાથે એક મોટરસાયકલ ઉપર સવાર થઈ કોસીન્દ્રાથી તેઓની સાસરી સનાદરા ખાતે જવા નીકળ્યા હતા. દરમ્યાન સવારના સાતેક વાગ્યાના સુમારે તેઓની મોટરસાયકલ આણંદ તાલુકાના વહેરાખાડી ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક નજીક સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ડમ્પરના કારણે ચાલક જગદીશભાઈ એકદમ ગભરાઈ ગયા હતા અને મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ રોડની સાઈડમાં આવેલ એન્ગલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ૭ વર્ષીય નવ્યાને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે કરૃણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રસ્તેથી પસાર થતા વાહનચાલકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮માં કોલ કરતા ઈમરજન્સી વાન તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત જગદીશભાઈ તથા અન્ય પાંચ વર્ષીય દિકરી દિયાને સારવાર અર્થે વાસદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.
જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન પાંચ વર્ષીય દિયાનું કરૃણ મોત નીપજ્યું હતું.