ગાળો બોલવાની ના પાડતા બે ભાઈઓએ હુમલો કર્યો
મામાને છોડાવવા વચ્ચે પડેલા ભાણેજને પણ માર માર્યો
વડોદરાતા,13,જાન્યુઆરી,2020,,સોમવાર
ઘર નજીક દારૃ પીને ગાળો બોલતા બે ભાઈઓને ગાળો બોલવાની ના પાડનાર વેપારી પર બંને ભાઈઓએ હુમલો કર્યો હતો. જે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, વારસીયા રીંગ રોડ પર બિલીપત્ર કોમ્પલેક્ષમાં રહેતો દિપક ગિરધરભાઈ લાલવાણી છૂટક મજૂરી કામ કરે છે. ગઈકાલે રાત્રે વારસીયા વાસવાણી કોલોનીમાં રહેતા મામા હરેશ ઉર્ફે રાજુ ગુલાબરાવ ભાવનાણીના ઘરે દિપક ગયો હતો. રાત્રે સાડા બાર વાગ્યે હરેશ ઉર્ફે રાજુ પતંગનો ધંધો કરી ઘરે આવ્યા હતા. તે સમયે તેમના ઘરની બહાર ઢોલુ દયાલદાસ રામચંદાણી અને તેનો ભાઈ ગણેશ (બંને રહે.વારસીયા) દારૃ મને ગાળો બોલતા હતા.
જેથી હરેશ ઉર્ફે રાજુએ બંને ભાઈઓને ગાળો બોલવાની ના પાડતા બંનેે ઉશ્કેરાઈને હરેશ ઉર્ફે રાજુ પર હુમલો કર્યો હતો. મામાને છોડાવવા વચ્ચે પડનાર દિપક પર પણ ભાઈઓએ હુમલો કર્યો હતો. જે અંગે વારસીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.