આઈડિયાથોન-૨૦૨૦માં શહેરની ૯ શાળા અને ૨૪ કોલેજોના ૫૦ જેટલા પ્રોજેક્ટ પ્રસ્તુત કરાશે
ઈનોવેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે હેતુથી બીજીવાર સ્ટાર્ટ અપ ઈવેન્ટનું આયોજન
વડોદરા, તા.5 ફેબ્રુઆરી 2020, બુધવાર
એમ.એસ.યુનિ.માં સ્ટૂડન્ટ યુનિયનના યુથ ફેસ્ટિવલના ચોથા દિવસે એટલે તા.૬ ફેબુ્રઆરી ગુરુવારના રોજ સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે સવારે ૮થી ૪ વાગ્યા સુધી 'આઈડિયાથોન-૨૦૨૦'નું આયોજન કરાયું છે. જેમાં શહેરની ૯ શાળાના ધો.૮થી ૧૨માં ભણતા વિદ્યાર્થીઓ અને ગુજરાત સહિત મુંબઈ અને નાસિકની ૨૪ કોલેજના ૧૪૦ પ્રોજેક્ટ સ્પર્ધા માટે આવ્યા હતા.
એમ.એસ.યુનિ.ની ઓફિસ ઓફ કરિઅર એડવાન્સમેન્ટ ફોર સ્ટૂડન્ટના સેન્ટર ફોર સ્ટાર્ટઅપ અને ઈનોવેશન વિભાગ દ્વારા બીજીવાર આઈડિયાથોનનું આયોજન કરાયું છે. ગત વર્ષે વિવિધ શાળાના ૭૦ અને કોલેજમાંથી પણ ૭૦ પ્રોજેક્ટ આવ્યા હતા. જ્યારે આ વર્ષે ૯ શાળામાંથી ૩૦ અને ૨૪ કોલેજોના ૧૧૦ પ્રોજેક્ટ આવ્યા છે. જેમાંથી સ્પર્ધામાં શાળાના ૨૩ અને કોલેજના ૨૬ પ્રોજેક્ટ ં રજૂ કરાશે.
આપણી આસપાસ બનતી ઘટનાઓ, સમસ્યાઓ વગેરેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ તેના ઉપાય સાથે કંઈક નવો વિચાર પોસ્ટર કે મોડેલ દ્વારા રજૂ કરે તે આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ છે.