mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગાયકવાડી સમયના ૧૫થી ૧૮મી સદીના ખંજર,તલવાર, ઢાલ અને બંદૂકનું પ્રદર્શન

ભીડને ચીરવા માટે ભીર-ચીર હથિયાર કાળિયારના શીંગડામાંથી બનાવામાં આવતુ હતું

Updated: Jan 8th, 2019

 વડોદરા, તા.8 જાન્યુઆરી, મંગળવારગાયકવાડી સમયના ૧૫થી ૧૮મી સદીના ખંજર,તલવાર, ઢાલ અને બંદૂકનું પ્રદર્શન 1 - image


હથિયારો ઈતિહાસનો એક મહત્વનો ભાગ છે. ફક્ત પુસ્તકોમાં જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો તેને જોઈ શકે તે હેતુથી બરોડા મ્યુઝિયમમાં શસ્ત્રોનું 'આયુધ' પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

કમાટીબાગમાં આવેલા બરોડા મ્યુઝિયમમાં સંગ્રહાલય સપ્તાહના ભાગરુપે તા.૮થી ૨૫ જાન્યુઆરી સુધી રાખવામાં આવેલા આયુધ પ્રદર્શનમાં ગાયકવાડી સમયના ૧૫થી ૧૮મી સદીના ખંજર, તલવાર, ઢાલ, જમૈયા, કટાર, બંદૂક, વાઘનખ વગેરે મૂકવામાં આવ્યા છે. બરોડા મ્યુઝિયમના ક્યુરેટર વિજય પટેલે પ્રદર્શનમાં મૂકવામાં આવેલા ભીર-ચીર વિશે જણાવ્યું કે, આ હથિયાર કાળિયારના શિંગડાના ઉપરના ભાગમાં અણીદાર લોખંડ ટૂકડો મૂકીને બનાવામાં આવતુ હતું. યુધ્ધમાં ભીડને ચીરવા માટે યૌદ્ધાઓ હાથમાં પહેરીને આ હથિયારનો ઉપયોગ કરતા હતા. ભીડ શબ્દનો અપભ્રંશ થઈ આજે આ હથિયાર ભીર-ચીરના નામે ઓળખાય છે. મહારાજા સયાજીરાવના સમયમાં મહેમાનોના મનોરંજન માટે પોપટનો ઉપયોગ થતો હતો. જેમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલી મીની તોપ પોપટ દ્વારા ફોડવામાં આવતી હતી.

ગાયકવાડી સમયના ૧૫થી ૧૮મી સદીના ખંજર,તલવાર, ઢાલ અને બંદૂકનું પ્રદર્શન 2 - imageજુદા-જુદા આકાર, વજન અને લંબાઈ ધરાવતી બંદૂક વિશે વાત કરતા ક્યુરેટરે જણાવ્યું કે, બ્રિટીશરોના સમયમાં બંદૂક બનવાની શરુ થઈ હતી જેને બ્રિટનમાં મસ્કેટ અને ભારતમાં શેરબચાં તરીકે ઓળખાતી હતી. બ્રિટીશરોના પાયદળના સૈનિકોના હાથમાં હંમેશા મસ્કેટ જ જોવા મળતી. ૮૩ સેમી લાંબી લાકડીની અંદર રહેલી ગન વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. રાજા-રજવાડાંઓના સમયમાં બંદૂક એટલી લાંબી અને વજનદાર આવતી આવતી હતી કે રાજા જ્યારે હાથી કે ઘોડા પર બેસીને શિકાર કરવા જાય ત્યારે તેમની આગળ બે વ્યક્તિને બેસાડતા હતા. અને તેમના ખભ્ભા પર બંદૂકનો આગળનો ભાગ રાખી પ્રાણીઓ પર નિશાન તાકતા હતા.

રાજસ્થાનમાં ૧૬મી સદીમાં આવેલા હથિયારોમાં આર્ટ વર્ક ખૂબ પ્રખ્યાત હતુ જે કોફ્તગરીના નામથી ઓળખાતું હતું. આ કલાકારીગરી તલવારના હાથામાં, ભાલામાં અને ખંજરમાં જોવા મળતી હતી.

મ્યુઝિયમના કલેક્શનમાં કલાના ૭૨ હજાર નમૂના છે

બરોડા મ્યુઝિયમના ક્યુરેટરે જણાવ્યું કે, મ્યુઝિયમમાં ગાયકવાડી સમયના મિનિએચર પેઈન્ટીંગ્સ, સ્કલ્પચર, તાંબાની મૂર્તિઓ વગેરે મળીને ૭૨,૦૦૦ જેટલા કલાના નમૂના છે. ઉપરાંત વિજ્ઞાાન વિભાગમાં પણ અનેક નમૂનાઓ છે. પરંતુ જગ્યાને અભાવે એક તૃતિયાંશ ભાગ જ મૂકવામાં આવેલો છે. જેથી સ્ટોરમાં મૂકાયેલી ચીજવસ્તુઓ લોકો જોઈ શકે તે હેતુથી સમયાંતરે દરેક કલાનું પ્રદર્શન ગોઠવામાં આવે છે. મ્યુઝિયમમાં ૧૦૫ જેટલા હથિયારો જ મૂકવામાં આવેલા છે. જો કે સ્ટોરમાં સચવાયેલા હથિયારોને સંગ્રહાલય સપ્તાહ નિમિતે લોકો માટે ખુલ્લા મૂકાયા છે.


Gujarat