નશીલા દ્રવ્યોની માહિતી માટે ૧૯૦૮ ડાયલ કરવા અપીલ
ડ્રગ્સના દૂષણના સૂત્રો લખેલા બેનરો લઇ રેલવે સ્ટેશને જાગૃતિ કાર્યક્રમ
વડોદરા,નશીલા દ્રવ્યોના સેવનથી યુવા ધનને બચાવવા માટે રેલવે પોલીસ દ્વારા આજે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ્સના સેવનથી થતા નુકસાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.
માદક દ્રવ્યોના સેવનથી યુવા ધન બરબાદ થઇ રહ્યું છે. જીંદગીને બરબાદી તરફ ધકેલી જતા નશા કારક દ્રવ્યોના સેવનથી લોકો દૂર રહે તે માટે રેલવે પોલીસ દ્વારા આજે એક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રેલવે એસ.પી. સરોજકુમારીની સૂચના મુજબ, સ્ટાફ દ્વારા નશીલા દ્રવ્યોથી થતા નુકસાન તેમજ તેનું સેવન કરવું એક અપરાધ છે.તેવા સ્લોગન લખેલા બેનર સાથે રેલવે પોલીસે આજે રેલવે સ્ટેશન પર એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નશીલા દ્રવ્યોની માહિતી માટે ૧૯૦૮ નંબર પર ડાયલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ડ્રગ્સનું સેવન કરવાથી એક વર્ષની કેદ તથા ૨૦ હજાર સુધીના દંડની સજાની જોગવાઇ છે.
રેલવે એસપીએ જણાવ્યું હતું કે, રેલવેમાં મુસાફરી કરનાર સમગ્ર દેશના નાગરિકો હોય છે. જેથી, આ મેસેજ સમગ્ર દેશમાં ફેલાય છે. અમારો હેતુ યુવાધનને નશીલા દ્રવ્યોથી બચાવવાનો છે.