અમદાવાદ જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 11 કેસ મળ્યા
- 9 માંથી 7 તાલુકામાં સંક્રમણના કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ સંક્રમણનો આંકડો 1,188 થયો 8,829 લોકોને 'હોમ કર્વારન્ટાઇન' કરાયા
અમદાવાદ,તા.26 જુલાઇ 2020, રવિવાર
અમદાવાદ જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ ૧૧ કેસ મળી આવ્યા હતા. ધોળકા, માંડલ, ધંધૂકા અને સાણંદમાં ૨-૨ અને બાવળા, દસક્રોઇ, વિરમગામમાં ૧-૧ કેસ નોંધાયો હતો. જિલ્લામાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૧,૧૮૮ થઇ ગયો છે. જેમાંથી ૧,૦૨૭ લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
દસક્રોઇમાં બારેજામાં આંગન વિલા બંગલોઝ, બાવળા અને વિરમગામમાંથી કોરોનાના કેસ મળ્યા હતા. ધોળકામાં મારૂતિ નગર સોસાયટી, ત્રાસદ ગામે પટેલ વાસમાંથી કેસ મળ્યો હતો. ધંધૂકામાં મંદિર ફળી અને હડાલા ગામેથી , સાણંદ ગામમાં અનેે મણિપુર ગામે ૧૬૫ મણિપુર ગ્રીન બંગલોઝમાંથી કોરોના પોઝિટિવ કેસ મળ્યો હતો.
માંડલમાં સીનજ અને કચરાલ ગામે એક-એક કેસ નોંધાયો હતો. જિલ્લામાં હાલમાં ઘરે ઘરે સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં ધનવન્તરી રથની મદદથી લોકોને ઘેરબેઠા સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લાભરમાં હાલમાં ૮,૮૨૯ લોકોને 'હોમ કવાર્ન્ટાઇન ' કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં ૧૪ દિવસ પુરા કરીને સ્વસ્થ જોવા મળેલા ૧૭,૫૨૧ લોકોને' હોમ કર્વારન્ટાઇન' મુક્ત પણ કરાયા છે. હાલમાં ૯૩ એક્ટીવ કેસ છે. જે તમામ હાલમાં સારવાર હેઠળ છે. જ્યારે ૧૦ લોકોને કોવિડ-કેર સેન્ટરમાં રખાયા છે.