અકોટાના ઝૂંપડામાં ભડભડ સળગેલી વૃદ્ધાએ બચાવવા આવેલી યુવતીને પકડી લીધી
વડોદરા, તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
વડોદરાના અકોટા વિસ્તારમાં આજે વહેલી સવારે બનેલી ઘટનાએ સ્થાનિક રહીશોને કંપાવી મુક્યા હતા.આ બનાવમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યુ છે. અકોટા રેલવે લાઈન પાસે 15 દિવસ પહેલાં જ ઝૂંપડું બાંધી રહેવા આવેલી 70 વર્ષની વૃદ્ધા આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિક તેમજ કચરો વીણીને ગુજરાત ચલાવતી હતી. આજે વહેલી સવારે કોઈ કારણસર ઝૂંપડામાં આગ લાગતાં સૂઈ રહેલી વૃદ્ધા આગની લપેટમાં આવી ગઈ હતી.
સળગતી વૃદ્ધાની ચીસો સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા. રહીશો વૃદ્ધાની સેવા ચાકરી કરતા હોવાથી વૃદ્ધાને સળગતી જોઈ તેઓ હેતબાઈ ગયા હતા. ઝૂંપડામાં પ્લાસ્ટિક ના થેલા હોવાના કારણે આગ ઝડપભેર પ્રસરી હતી. દરમિયાનમાં 20 થી 25 વર્ષીય એક યુવતી હિંમત કરીને વૃદ્ધાને બચાવવા ઝૂંપડામાં જવા ગઈ ત્યારે એકા એક વૃદ્ધાએ તેને પકડી લીધી હતી.
સદનસીબે આ યુવતી વૃદ્ધાની પકડમાંથી છૂટી ને બહાર નીકળી જવામાં સફળ રહેતા તેનો બચાવ થયો હતો. બનાવના સ્થળે ફાયરબ્રિગેડ પણ આવી જતા આગ કાબુમાં લઈ આસપાસના ઝુંપડાઓ બચાવી લીધા હતા. વૃદ્ધાનું મોત નિપજતા તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સીવીલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.પોલીસે વૃદ્ધાની ઓળખ તેમજ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.