For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઢોર ન પકડવા પશુ માલિકો પાસે હપ્તા લેવાય છે : ભાજપ કોર્પોરેટરનો આક્ષેપ

રખડતા ઢોર પકડવા મામલે જાગેલો વિવાદ

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મળેલી કોર્પોરેટરોની રિવ્યુ બેઠકમાં ઘાટલોડિયાના કોર્પોરેટરની રજુઆતથી તંત્રમાં સન્નાટો

Updated: Nov 23rd, 2021


અમદાવાદ,મંગળવાર,23 નવેમ્બર.2021

અમદાવાદ શહેરમાંથી રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ ઓછો કરવા મ્યુનિસિપલ તંત્રને હાઈકોર્ટ તરફથી કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલા છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઝોનના કોર્પોરેટરોની વિકાસકામોની સમીક્ષા અંગે મળેલી રીવ્યુ બેઠકમાં ઘાટલોડિયાના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરીને લઈ ગંભીર આક્ષેપ કરતા એવી રજુઆત કરી હતી કે,પશુ માલિકોને અમે રોડ ઉપર પશુઓ ના બાંધવા કે રાખવા સમજાવવા જઈએ એ સમયે પશુ માલિકો પૈકી કેટલાક તો અમને મોં ઉપર સંભળાવી દે છે કે,દર મહિને એકથી પાંચ તારીખ સુધીમાં મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગના કર્મચારીઓ પશુ માલિકો પાસેથી બાંધેલા હપ્તા વસૂલી લેતા હોવાથી તમે ચિંતા ના કરો અમારા ઢોર વિભાગ નહીં પકડે.ખુદ સત્તાધારી પક્ષના જ કોર્પોરેટર તરફથી બેઠકમાં કરવામાં આવેલા ગંભીર આક્ષેપને પગલે બેઠકમાં હાજર અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ,સોમવારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવતા તમામ વોર્ડના કોર્પોરેટરોની મેયર કિરીટ પરમાર,ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ,સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ,મ્યુનિ.ના પ્રભારી ધર્મેન્દ્ર શાહ વગેરેની હાજરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવી સહિત અન્ય વિભાગોના અધિકારીઓ સાથે એક રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ બેઠકમાં ઘાટલોડિયાના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉપસ્થિત કર્યા હતા.

ઘાટલોડિયાના કોર્પોરેટર તરફથી મળેલી પ્રતિક્રીયામાં તેમણે કહ્યુ,સોમવારે મળેલી રીવ્યુ બેઠકમાં મેં આ મામલે રજુઆત કરી હતી.અમે જયારે રખડતા કે જાહેર રોડ ઉપર પશુ માલિકો તરફથી બાંધવામાં આવતા પશુઓ આ હાલતમાં ના રાખવા પશુ માલિકોને સમજાવવા પ્રયાસ કરીએ છીએ એ સમયે પશુ માલિકો જ અમને મોં ઉપર સંભળાવી દે છે કે,મ્યુનિસિપાલિટીના ઢોર ત્રાસ અંકુશ વિભાગના કર્મચારીઓ અમારી પાસેથી દર મહિને એકથી પાંચ તારીખમાં બાંધેલા હપ્તા લઈ જાય છે એટલે અમારા ઢોર એ લોકો નહીં પકડે.આ પરિસ્થિતિમાં સી.એન.સી.ડી. વિભાગ ખરેખર શું કામ કરી રહ્યુ છે? એની તો અમને ખબર પડવી જોઈએને? નોંધનીય છે કે,ગત મહિને ટાગોર હોલમાં મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ પશુઓ નહીં પકડવાના હપ્તા છેક કમલમ સુધી પહોંચતા હોવાનો આક્ષેપ કરતા બેઠકમાં હોબાળો મચી જવા પામ્યો હતો.ઉપરાંત સી.એન.સી.ડી.વિભાગમાં ફરજ બજાવતા પી.આઈ.ઢોર નહીં પકડવા બદલ લાંચ લેતા ઝડપાયા હતા એનો વિવાદ પણ હજુ શાંત થયો નથી.

અધિકારી કહે છે,અમારી પાસે તમારા વોટસઅપ મેસેજ જોવાનો સમય નથી

ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલે એક વાતચીતમાં કહ્યુ,૬ સપ્ટેમ્બરથી રોજ હું મેઈલ ઉપરાંત વોટસઅપથી ફોટા અને વિડીયો મારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને સી.એન.સી.ડી.ના અધિકારીઓ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીને મોકલું છું.જયારે  એમને રજુઆત કરી તો એમના તરફથી અમને એવો જવાબ આપવામાં આવે છે કે,અમારી પાસે બીજા ઘણા કામો છે.તમારા મેસેજ જોવાનો સમય નથી.

Gujarat