ઓનલાઇન સેલ્ફ ડ્રાઇવ ગાડી ભાડે મેળવી દારૃના જથ્થાની હેરાફેરી
મકરપુરાનો બુટલેગર સુનિલ ફતેગંજમાં પાનનો ગલ્લો પણ ધરાવે છે ઃ ૭.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
વડોદરા, તા.29 જાન્યુઆરી, બુધવાર
ઓનલાઇન સેલ્ફ ડ્રાઇવ કાર આપતી કંપનીઓ દ્વારા બ્રીઝા ગાડી ભાડે લઇને દમણથી દારૃ લઇને આવતા વડોદરાના મકરપુરા વિસ્તારના બુટલેગર સહિત ત્રણને જિલ્લા એલસીબીએ કરજણ ટોલનાકા પાસે ઝડપી પાડી દારૃનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ડાર્ક ગ્રે કલરની બ્રીઝા ગાડીમાં દારૃ ભરીને વલસાડથી વડોદરા તરફ જનાર છે તેવી બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસોએ કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી તેમાં બેસેલી ત્રણ વ્યક્તિ સુનીલ નાનજી દવેરા (રહે.શાલિગ્રામ રેસિડેન્સી, એરફોર્સ સ્ટેશન પાસે, મકરપુરા), રાહુલ જયસુખ બગડા (રહે.પેન્શનપુરા, નિઝામપુરા) અને રીયાઝ અબ્દુલગફાર પટેલ (રહે.પેન્શનપુરા, નિઝામપુરા)ને ઝડપી પાડયા હતાં.
પોલીસે ગાડીમાં તપાસ કરતા અંદરથી દારૃની ૨૦૪ બોટલો મળી હતી. પોલીસે દારૃનો જથ્થો, ત્રણ મોબાઇલ અને ગાડી સાથે કુલ રૃા.૭.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં વિગત બહાર આવી હતી કે મકરપુરા વિસ્તારનો જાણીતો બુટલેગર સુનીલ જે ફતેગંજ વિસ્તારમાં મઢુલી પાનનો ગલ્લો પણ ધરાવે છે તેણે ઓનલાઇન સેલ્ફ ડ્રાઇવ ગાડી ભાડે મેળવી દમણ ગયો હતો અને દમણથી દારૃનો જથ્થો ભરી વડોદરા લાવતો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ શરૃ કરી છે.