એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝ બ્લાસ્ટ ઘટનામાં ઇજાગ્રસ્તોની હાલત કફોડી
ઇજાગ્રસ્તોને કોઇ સહાય નહી ચુકવાતા પરિવારજનોની સ્થિતિ ખરાબ
પાદરા તા.૧૬
પાદરા તાલુકાના ગવાસદ ગામની એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝ કંપનીમાં બ્લાસ્ટ થતા છ વ્યક્તિના મોત તેમજ ચારને ગંભીર રીતે ઈજાઓ પહોચી હતી. આ ઘટનાને પાંચ દિવસ થયા છતાં કંપનીના માલિક હજી સુધી પોલીસ પકડથી દૂર છે, જોકે પોલીસે બંને ફરાર આરોપીઓ સામે લુક આઉટ નોટીસ જાહેર કરી છે. જ્યારે પાદરાના લોલા ગામના બે યુવાનોને ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે દાખલ છે, તેમના પરિજનોની દયનીય હાલત થઇ છે, કંપની દ્વારા ઇજાગ્રસ્તોને હજી સુધી કોઈ સહાય ન ચૂકવાતા પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.
એઇમ્સ ઇન્ડસ્ટ્રિઝ પ્રા. લી.માં તા.૧ના રોજ બ્લાસ્ટ થતા પાદરાના વડું પોલીસ મથકે કંપનીના પાંચ જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી, જેમાં એક ડાયરેક્ટર, પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર કમ સુપરવાઈઝર મળી કુલ ૩ ની ધરપકડ કરી પોલીસે ત્રણેના તા.૨૦ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પરંતુ હજી કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ તેમજ ડાયરેકટર શ્વેતાંશુ પટેલની હજી ધરપકડ થઇ નથી.