For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ ફાયરના ચાર જવાનો કોરોના પોઝિટિવ,સારવાર હેઠળ

- ફ્રંટલાઈન વોરિયર્સ પર કોરોના ત્રાટકયો

- ત્રણ જવાનો SVPમાં, એક કેન્સર કોવિડ કેરમાં સારવાર હેઠળ, હજુ બેના રિપોર્ટ આવવાના બાકી

Updated: May 26th, 2020

Article Content Image

અમદાવાદ,25 મે 2020 સોમવાર

શહેરના જશોદાનગર ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા ત્રણ ફાયર જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે એસ.વી.પી.માં દાખલ કરવામાં આવ્યા છ.પાંચકુવા ફાયર સ્ટેશનના ફાયરમેનને કેન્સર હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે.હજુ બે ફાયરના જવાનોના રિપોર્ટ આવવાના બાકી છે.મણિનગરના ફાયર ઓફિસરને આઠ દિવસ માટે કવોરન્ટાઈન થવાનો ચીફ ફાયર ઓફિસરે આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.

મળતી માહીતી પ્રમાણે,મ્યુનિસિપલ ફાયર વિભાગના જશોદાનગર ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા પાંચ જેટલા ફાયર જવાનોને તાવ આવતો હોવાથી તેઓ હોમ કવોરન્ટાઈનમાં હતા.અનેક વખત આ તમામના કોરોના ટેસ્ટ માટે રજુઆત કરવા છતાં ટેસ્ટની વાત તંત્રના કાને સંભળાતી ન હતી.અંતે મેયર ઓફિસમાંથી કડક સુચના સાથેનો ફોન હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારી સુધી પહોંચતા આ ફાયર જવાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.પાંચમાંથી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેને એસ.વી.પી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જશોદાનગરના વધુ બે ફાયરના જવાનોના કોરોના ટેસ્ટ રિપોર્ટ આવવાના બાકી છે.આ તરફ જશોદાનગરના પોઝિટિવ થયેલા જવાનોના કોન્ટેકટમાં આવેલા મણિનગરના ફાયર ઓફિસરને આઠ દિવસ કવોરન્ટાઈનમાં રહેવા ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.પાંચકૂવા ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા ફાયરમેન કોરોના પોઝિટિવ હોવાથી સારવાર માટે કેન્સર હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

અગાઉ કવોરન્ટાઈન થયેલો ફાયર સ્ટાફ

૧.નરોડા ફાયર સ્ટેશનનો ડ્રાઈવર પોઝિટિવ થતા નરોડાના ફાયર ઓફિસર,જમાલપુરના ફાયર ઓફિસર અને મણિનગરના ફાયર ઓફીસર કવોરન્ટાઈન થયા હતા

'તમને વેન્ટિલેટરની જરૂર છે' કહી બે દિવસ સુધી ફાયરમેનને સારવાર માટે રઝળાવ્યો

પાંચકૂવા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયરજવાન નરેશ ડામોર કોરોના પોઝિટિવ થતા તેમને અસારવા સિવિલમાં લઈ જવાયા હતા. સ્થાનિક કોર્પોરેટર દ્વારા તેમને એસ.વી.પી.માં દાખલ કરવાની વાત થતા તેમને એસ.વી.પી.લઈ જવાયા હતા. એસ.વી.પી.માં પેશન્ટને વેન્ટિલેટરની જરૂર છે અમારી પાસે નથી એમ કહેવાતા તેમને સોલા સિવિલ લઈ જવાયા હતા. સોલા સિવિલમાં પણ તેમની પાસે વેન્ટિલેટર ન હોવાનુ કહેવાતા કોરોના પોઝિટિવની આ તકલીફ મેયર સુધી પહોંચતા મેયરે કેન્સર હોસ્પિટલના પદાધિકારી સાથે વાત કરતા ફાયરમેનને કેન્સર હોસ્પિટલ કોવિડ કેર લઈ જવાયા હતા. વાત અહીં પુરી થતી નથી કેમકે કોવિડ સેન્ટરમાં ફરી પાછુ વેન્ટિલેટર આવ્યુ. ત્યાં આ હોસ્પિટલના સ્ટાફે ફાયરમેનના સ્વજનોને કહ્યુ, કોણે કીધુ આમને વેન્ટિલેટરની જરૂર છે? અરે એમને માત્ર સારવારની જરૂર છે.

 આમ વેન્ટિલેટરનું બહાનુ આગળ ધરી પોતાના જીવની બાજી લગાવી અંગારકોલ એટેન્ડ કરતા ફાયરમેનને હોસ્પિટલોમાં એડમિટ કરવામાં ન આવ્યા એનાથી શરમજનક બાબત આ સ્માર્ટસિટીના કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ફાયર ઓફિસર સહીતના અન્ય તમામ જવાબદારો માટે બીજી કોઈ હોઈ ન શકે એવી પીડા નામ ન આપવાની શરતે ફાયરમેન દ્વારા રજુ કરવામાં આવી છે.

Gujarat