અમદાવાદ ડિવિઝન રેલવેના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટનું કોરોનામાં મોત
- અમદાવાદ વિભાગમાં કુલ 150 થી વધુ રેલ કર્મી સંક્રમિત, કુલ 17 મોત
- ચીફ કંટ્રોલર તેમના પત્ની અને બાળક પણ કોરોના સંક્રમિત બન્યા, રેલ કર્મચારીઓમાંં ફફડાટ
અમદાવાદ, તા.22 જુલાઇ 2020, બુધવાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં બુધવારે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટની ફરજ બજાવતા અધિકારીનું મોત કોરોનામાં થયું હતું. જ્યારે અમદાવાદ વિભાગના ચીફ કંટ્રોલર તેમના પત્ની અને બાળક કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવ્યું છે.
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના અમદાવાદ વિભાગના સંગઠન મંત્રી સંજય સૂર્યબલીના જણાવ્યા મુજબ રેલવેના અમદાવાદ વિભાગમાં અત્યાર સુધીમાં ૧૫૦ જેટલા રેલ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો કોરોના સંક્રમિત બની ચૂક્યા છે. જેમાંથી ૧૭ લોકોના મોત પણ થઇ ગયા છે.
મહેસાણા રેલવે સ્ટેશને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા વિજય આચાર્યનું બુધવારે સવારે ૮ વાગ્યે ખોખરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ ં હતું. જ્યારે અમદાવાદ વિભાગમાં ટ્રેનોના સંચાલનની જવાબદારી સંભાળતા મુખ્ય કંટ્રોલર કે.એમ.પરમાર તેમના પત્ની અને બાળક સહિત કોરોના સંક્રમિત બનતા રેલવે તંત્રમાં ચિંતાની લાગણી ફેલાઇ જવા પામી છે.
નોંધપાત્ર છેકે અમદાવાદ રેલવે સ્ટેસને આરપીએફ કોન્સ્ટેબલ, સફાઇ કર્મચારીનું અગાઉ કોરોનામાં મોત નિપજ્યું હતું. સાબરમતી રેલવે સ્ટેશનના પોઇન્ટમેન, સાબરમતી ડિઝલ શેડના મિકેનિક તેમજ ડીઆરએમ ઓફિસમાં ક્લાર્કનું કોરોનામાં મોત પણ થઇ ગયું છે.
સાબરમતી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર અને તેમના પત્ની કોરોના સંક્રમિત બન્યા હતા. તેઓને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી તેઓ સાજા થઇને કોરોના મહામારીને હાર આપીને ઘરે પરત ફર્યા છે.