અમદાવાદ,ગુરૂવાર
મોજશોખ માટે અમદાવાદ અને ગાંધીનગરમાંથી મોંઘીદાટ સ્પોર્ટસ બાઇકની ચોરી કરતી ગેંગના બે યુવકો અને એક સગીરને ઝડપીને પાંચ બાઇક જપ્ત કર્યા હતા. રાજસ્થાનના ઉદેપુર પાસેના ગામમાં રહેતા યુવકો મોજશોખ માટે બાઇકની ચોરી કરતા હતા. આરોપીઓને ગાંધીનગર પોલીસને હવાલે કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ સિંધવ અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના સોલા વિસ્તારમાં સ્પોર્ટસ બાઇકની ચોરી કરતી ગેંગના સભ્યો અમદાવાદ આવવાના છે.
જેના આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રણ લોકોને ઝડપી લીધા હતા. જેમાં એક સગીર હતો. જ્યારે અન્યના નામ આશીષ મીણા (રહે.ખેરવાડા, જિ. ઉદેપુર) અને સુનિલ મીણા (રહે.ખેરવાડા, જિ. ઉદેપુર) હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પાસેથી પોલીસે રૂપિયા ૬.૩૦ લાખની કિંમતના પાંચ બાઇક જપ્ત કર્યા હતા. જેની નંબર પ્લેટ તેમણે કાઢી નાખી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમણે ગાંધીનગરમાંથી બે અને અમદાવાદના સોલા અને સાબરમતી વિસ્તારમાંથી ત્રણ બાઇકની ચોરી કરી હતી. આરોપીઓ રાજસ્થાનમાં બાઇક ચલાવતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


