ઇનામદારના માન્યા તો વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી ઉચ્ચારી
વાઘોડિયા/વડોદરા, તા. 24 જાન્યુઆરી 2020, શુક્રવાર
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિસ્તારના કામ ન થતાં હોવાથી બુધવારે રાજીનામુ આપી દેતા ભાજપના મોવડીઓ દોડતા થઇ ગયા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે બે કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ માંડ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો ગુસ્સો શાંત કર્યો ત્યાં તેમના જ જિલ્લાના અન્ય ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો તો સાતમા આસમાને છે.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી રાજીનામાની ચીમકી આપી છે. મધુ શ્રીવાસ્તવે સીધા જ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અને વિભાગના અધિકારીઓ સામે આક્ષેપ કરતા ભાજપમાં હડકંપ મચી ગયો છે.
મધુ શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે કે પોતે 6 ટર્મથી ધારાસભ્ય છે તેમ છતાં પ્રધાન અને અધિકારીઓ તેમની વાત સાંભળી રહ્યા નથી. મધુ શ્રીવાસ્તવે કૌશિક પટેલ અને અન્ય અધિકારીઓ કામમાં અડચણ ઉભી કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો. નારાજ થયેલા મધુ શ્રીવાસ્તવે અધિકારીને લાફા મારવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાના કારણે અલગ અલગ વિકાસના કામો ન થતા હોવાથી મધુ શ્રીવાસ્તવે નારાજગી હોવાનો સૂર આલાપ્યો છે.
પોતાના વિસ્તારમા હનુમાનજીની મૂર્તિ બનાવવા મામલે તેમણે ભાજપની નેતાગીરી સામે જ બગાવત કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ મધુ શ્રીવાસ્તવની અધિકારીઓ સામે નારાજગી સામે આવી હતી. બે દિવસથી નારાજ ચાલી રહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને આખરે ગઈકાલે ભાજપના પ્રદેશ મોવડીઓએ મનાવ્યા હતા અને કેતન ઈનામદારે પોતાનુ રાજીનામુ પાછું ખેંચ્યું હતું. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
સરકારમાં કોઈ હનુમાન નથી, બધા રામ છે : નીતિન પટેલ
મધુ શ્રીવાસ્તવના લાફાવાળા નિવેદન મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે અને મધુ શ્રીવાસ્તવનું નિવેદન સ્વભાવિક હોવાનું તેમજ તેઓનો સ્વભાવ ઉગ્ર છે તેમ જણાવ્યું છે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં મનગમતા કામ કરવા માંગતા હોય છે, જે માટે તેઓ સંબધિત અધિકારીઓ પાસે માંગ પણ કરતા હોય છે. સિંચાઇ વિભાગમાં મધુ શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર સરકાર મંજૂરી આપવા કટિબદ્ધ હોવાનું પણ ડેપ્યુટી સીએમએ કહ્યું છે. નીતિન પટેલે કહ્યું કે અમારી સરકારમાં કોઈ હનુમાન નથી, બધા રામ છે. સરકાર પાસે બધાની ઘણી માંગણીઓ હોય છે પરંતુ સરકાર પોતાની જોગવાઇ અનુસાર કામ કરે છે.