વડોદરા: કારેલીબાગમાં પાંચ કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત
- ગયા વર્ષે બજેટમાં વાસણા ભાયલી સ્ટેશનની જાહેરાત કરાઇ હતી
વડોદરા, તા. 27 જાન્યુઆરી 2020 સોમવાર
વડોદરા શહેરમાં અત્યારે છ ફાયર સ્ટેશન છે. શહેરના વિકસતા વિસ્તારને સહેલાઇથી ફાયર બ્રિગેડ ખાતાની સેવાઓ પૂરી પાડી શકાય તે માટે કારેલીબાગ પાણીની ટાંકી સામે નવું ફાયર સ્ટેશન પાંચ કરોડના ખર્ચે બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2020ના ડ્રાફ્ટ બજેટમાં કારેલીબાગમાં નવું ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના છેલ્લા 25 વર્ષમાં વિસ્તાર વધ્યો છે. શહેરમાં અત્યારનો વિસ્તાર 170 ચોરસ કિલોમીટરથી પણ વધુ છે. તે જોતા હજુ પણ ઓછામાં ઓછા 11 ફાયર સ્ટેશનની જરૂર જ છે.
દર દસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એક ફાયર સ્ટેશન હોવું જોઈએ. કોર્પોરેશન દ્વારા ત્રણ ચાર વર્ષમાં ફાયર સ્ટેશનની સંખ્યા વધે તે દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. કોર્પોરેશનના ગયા વર્ષના બજેટમાં પણ પાંચ કરોડના ખર્ચે વાસણા ભાયલી સ્ટેશન બનાવવાની જાહેરાત થઈ હતી, પરંતુ હવે તેમાં કોઈ પ્રગતિ થઈ નથી.
સમા, સાવલી, માણેજા, દેના, ચોકડી, નિમેટારોડ, વાઘોડિયા રોડ, જામ્બુવા, બાયપાસ, ગોત્રી તળાવ અને કારેલીબાગમાં ફાયર સ્ટેશન સૂચિત કરવામાં આવ્યા હતા. જેમાંથી આ વખતે કારેલીબાગની જાહેરાત કરાઈ છે.
ફાયર બ્રિગેડ પૂરમાં બચાવ કામગીરી કરી શકે તે માટે 300 લાઈફ સેવિંગ જેકેટ 15 ફાયર બોટ ચાર ફાયર ફાઈટિંગ કમ રેસ્ક્યુ વાન વગેરેની આશરે દોઢ કરોડના ખર્ચે ખરીદી કરશે.